કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 20 ફેબ્રુઆરી, 2012

આ વર્ણવ્યવસ્થા ક્યારે જશે ?




નાંગલ ઠકરાન, નવી દિલ્હી-39 ખાતે આવેલી શાળા વૈદ્ય પંડિત ખુસીરામ સરકારી સર્વોદય નવોદય બોઇઝ સીનીયર સેકન્ડરી સ્કુલ



પ્રિન્સિપાલે તેમની કચેરીમાં જ બોર્ડ મારી દીધું
દરેક વર્ગમાં કઈ કઈ જાતિના, ધર્મના કેટલા વિદ્યાર્થીઓ છે 

રવિવાર, 19 ફેબ્રુઆરી, 2012

કલેક્ટર કચેરીમાં ચાની કીટલી પર બાળમજુર





વર્ષ 2008. અમરેલીની કલેક્ટર કચેરીમાં આવેલી ચાની કીટલી પર આ બાળ મજુર આકાશનો ભેટો થયો હતો. તે વખતે કોટડીમાં દલિતોનો ગામતળની જમીન માટેનો સંઘર્ષ ચાલી રહ્યો હતો અને તેમના પ્રશ્નોની રજુઆત માટે અમે કલેક્ટર ઝાલાવડીયાને મળવા ગયા હતા. કલેક્ટરને બીજી મુલાકાત વખતે જ્યારે આકાશની મુલાકાતનો વીડીયો બતાવ્યો ત્યારે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને જાહેરમાં ચરણસ્પર્શ કરવા માટે જાણીતા કલેક્ટરે જણાવેલું કે તેમણે આવો કોઈ બાળમજુર કચેરીમાં જોયો નથી. 

મંગળવાર, 14 ફેબ્રુઆરી, 2012

બીટી કોટનના ખેડુતો બિચારાં અને બાળમજુરોની ઉપેક્ષા



સરકાર કહે છે, ખેડુતો બિચારાં બાપડાં છે




મુખ્‍યમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કપાસની નિકાસબંધીને ખેડૂતહિત વિરોધી ગણાવીને કપાસની નિકાસ ઉપરના પ્રતિબંધને તાત્‍કાલિક અસરથી ઉઠાવી લેવા તથા કપાસના ઉત્‍પાદન ક્ષેત્રે નિકાસ દ્વારા દેશના અર્થતંત્રમાં અગ્રગણ્‍ય ફાળો આપતાં ગુજરાતના ખેડૂતોને થઇ રહેલા નુકસાનમાંથી ઉગારવા માટે ખાસ કિસ્‍સામાં ગુજરાતને જ કપાસની દસ લાખ ગાંસડીઓની નિકાસનો કોટા ફાળવવા વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહને આજે ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરતો પત્ર પાઠવ્‍યો છે.

શ્રી મોદીએ કપાસની નિકાસબંધીના કેન્‍દ્ર સરકારના નિર્ણયથી ગુજરાતના કપાસ ઉત્‍પાદકો અને કપાસની ખેતી આધારિત ગ્રામ અર્થતંત્ર ઉપર કેવી વિપરીત અસર પડશે તેની સવિસ્‍તાર જાણકારી આપતાં વડાપ્રધાનશ્રીને પત્રમાં જણાવ્‍યું હતું કે, અગાઉ પણ તેમણે કપાસની નિકાસના પ્રતિબંધને કારણે કપાસ ઉત્‍પાદકોને આર્થિક સંકટમાં ધકેલી દેવાયા છે તે અંગે સવિસ્‍તાર રજૂઆત કરી જ હતી. ગુજરાત દેશનું ત્રીજા ભાગનું કપાસનું ઉત્‍પાદન કરે છે અને 50 ટકા કપાસની નિકાસ કરે છે. ગુજરાતનો કપાસ આજે વિશ્વના બજારોમાં તેની ગુણવત્તાને કારણે મશહૂર બનેલો છે અને 2003માં ગુજરાતનું કપાસ ઉત્‍પાદન 16 લાખ હેકટરમાં હતું તે વધીને ગયા વર્ષે 24.64 લાખ હેકટર ઉપર પહોંચી ગયું છે.

આ વર્ષે તો ગયા વર્ષના 74 લાખ ગાંસડી કપાસના ઉત્‍પાદન સામે  ખેડૂતોએ 104.55 લાખ ગાંસડી કપાસનું ઉત્‍પાદન કર્યું છે. કપાસની નિકાસબંધી અંગે કેન્‍દ્રના નાણાં અને વાણિજ્‍ય મંત્રાલયોની નીતિ કપાસના ખેડૂતોને અન્‍યાય કરનારી છે અને કપાસ ઉપર નિકાસ પ્રતિબંધ ફરમાવીને ગુજરાતના કપાસ ઉત્‍પાદકોને નિરૂત્‍સાહ કરી દેવાની ચાલ રમાઇ રહી છે. 2010માં તો કેન્‍દ્રીય નાણાં મંત્રાલયે તો પ્રતિ ટન રૂ.2500ની એક્ષ્પોર્ટ ડયુટી લાદી દીધી હતી, જેનું જાહેરનામુ 9મી એપ્રિલ 2010ના રોજ બહાર પાડી દીધું હતું.

આ ખેડૂત વિરોધી નીતિ છે તેવો સ્‍પષ્‍ટ ઉલ્લેખ કરતાં શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ જણાવ્‍યું કે, આંતરરાષ્‍ટ્રીય બજારોમાં કપાસના ભાવ વધી રહ્યાં છે ત્‍યારે ઘરઆંગણે કપાસના ભાવ સતત ઘટી રહ્યાં છે. કપાસ ઉત્‍પાદકો પાસે કપાસનો સંગ્રહ કરવાની કોઇ જ વ્‍યવસ્‍થા નથી તેથી આ મહામૂલો કપાસ નીચા ભાવે વેચવાની ફરજ ગુજરાતના કપાસ ઉત્‍પાદકોને પડી છે. થોડાક દિવસ પહેલાં જ બીટીકોટન, એસ/6ના ભાવ સડસડાટ નીચે ઉતરી ગયા છે અને રૂ.62,500 પ્રતિ કેન્‍ડીના કપાસનો ભાવ ઘટીને રૂ.44,000 થઇ ગયો જ્‍યારે શોર્ટ સ્‍ટેપલ વી 797 જાતના કપાસના ભાવમાં તો ગયા મહિને રૂ.50,000 કેન્‍ડી દીઠ હતો તે અડધોઅડધ ઘટીને રૂ.25,000 થઇ ગયો છે. રો-બીટી કોટન ભાવ ચાલુ સીઝનમાં કિવન્‍ટલ દીઠ રૂ.7250 હતાં તેમાં પણ 40 ટકા ઘટાડો થઇ ગયો છે.

તેમણે જણાવ્‍યું કે, ગયા વર્ષે કપાસનું ઉત્‍પાદન 295 લાખ ગાંસડી હતું ત્‍યારે 85 લાખ ગાંસડી એક્ષ્પોર્ટ ક્‍વોટા મંજુર થયેલો. આજે 330 લાખ ગાંસડી કપાસનું ઉત્‍પાદન થયું છે ત્‍યારે માત્ર ને માત્ર 55 લાખ ગાંસડી એક્ષ્પોર્ટ કવોટા જ મંજુર થયેલો છે.

કેન્‍દ્રીય વાણિજ્‍ય મંત્રાલયનો આ અભિગમ કઇ રીતે અપનાવવામાં આવ્‍યો છે તે સાદી સમજમાં આવતું નથી એમ જણાવી મુખ્‍ય મંત્રીશ્રીએ અત્‍યારે દેશમાં કપાસના ભાવો સતત નીચા જવાના કારણે અને આંતરરાષ્‍ટ્રીય બજારોમાં કપાસના ભાવ ઉંચા હોવા છતાં કપાસની નિકાસબંધીના નિર્ણયથી સમગ્રપણે કપાસ ઉત્‍પાદકોમાં અત્‍યંત આક્રોશ પ્રવર્તે છે આથી કપાસની નિકાસ ઉપરનો પ્રતિબંધ તત્‍કાળ અસરથી ઉઠાવી લેવો જોઇએ અને ગુજરાતના કપાસની નિકાસ માટે ખાસ કિસ્‍સામાં 10 લાખ ગાંસડી ક્‍વોટાની નિકાસની છૂટ આપવી જોઇએ એવી ભારપૂર્વક માગણી કરી છે.

          (તા. 16-5-11, ગુજરાત રાજ્ય સરકારના પોર્ટલમાંથી સાભાર)

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

રાજ્યપાલને દલિત હક રક્ષક મંચનું આવેદનપત્ર


બાળ અધિકારોના મુદ્દે મોદી સરકારના વલણને 
વખોડતું દલિત અધિકાર જૂથ




યોગિન્દર સીકન્દ


નરેન્દ્ર મોદીનું ગુજરાત હિન્દુત્વની સૌથી  સફલ પ્રયોગશાળાની નામના પામ્યું છે. કોર્પોરેટ ક્ષેત્ર અને મુખ્ચ ધારાના માધ્યમો મોદીના વિકાસ મોડેલની પ્રશસ્તિ કરતા ક્યારેય થાક્યા નથી. તેઓ આ મોડેલને સમગ્ર દેશ માટે અનુકરણીય ગણાવે છે. મધ્યમ વર્ગના સેંકડો હિન્દુઓ આવેશપૂર્વક ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે મોદીની હિમાયત  કરે છે. એનાથી દેશ આર્થિક અને લશ્કરી સુપરપાવરની ક્લબમાં સ્થાન પામશે એવું વિચારતા તેમને ગલગલીયા થાય છે.   
                                                                                                            
બહુ વખણાયેલા ખાઉધરા મૂડીવાદી વિકાસના ગુજરાત મોડેલે બાકીના ભારતની જેમ કદાચ ગુજરાતમાં પણ વધારે મોટી માત્રામાં બહુમત લોકોને, ખાસ કરીને દલિત અને આદિવાસી સમુદાયના લોકોને અસમાનતા અને કંગાલિયત તરફ ધકેલ્યા છે અને તે જ સમયે તેણે ગુજરાતના ખાઈ બદેલા સામાજિક અને આર્થિક અગ્ર-વર્ગને અત્યંત સમૃદ્ધ કર્યો છે. આદિવાસી અને દલિતો મળીને ગુજરાતના પાંચમા ભાગ કરતા પણ મોટો હિસ્સો છે અને તેઓ રાજ્યના તીવ્ર ભેદભાવવાળા સામાજિક પીરામિડના તળિયે રહેલા છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવા પ્રકારના જાતિ-વર્ગીય હિતોને પ્રોત્સાહન આપવા હિન્દુત્વની રાજનીતિ અને વિચારધારા તેમજ મોદીનું વિકાસ મોડેલ સજ્જ થયા છે.

ગુજરાતની મોટાભાગની કહેવાતી આર્થિક સફળતા દલિતો અને આદિવાસીઓના સસ્તા શ્રમને આભારી છે. ગુજરાત દેશમાં સૌથી વધારે બાળ મજુરો ધરાવતા રાજ્યો પૈકીનું એક હોવાની અપકીર્તિ ધરાવે છે. આ બાળમજુરોમાં મોટાભાગના દલિતો અને આદિવાસીઓ તેમજ અન્ય વંચિત સમુદાયોના છે. તેઓ ખરાબ અને મોટાભાગે બંધુવા મજુર જેવી પરિસ્થિતિઓમાં કામ કરે છે, તેમને બહુ ઓછું વેતન ચૂકવાય છે અને રાજ્ય સરકાર, દેખીતી રીતે તેમની દુર્દશા તરફ સંપૂર્ણપણે બેપરવા છે.

 ગયા મહિને મારા મિત્ર, ખંતીલા સામાજિક કર્મશીલ અને દલિત હક  રક્ષક મંચના મહામંત્રી રાજેશ સોલંકીએ ગુજરાતના રાજ્યપાલ માનનીય કમલા બેનીવાલને એક આવેદનપત્ર આપ્યું અને તેમનું ધ્યાન ગુજરાતમાં સ્ટેટ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એસસીપીસીઆર)ની અનુપસ્થિતિ તરફ દોર્યું હતું. તેમણે જણાવ્યું કે આ અભાવનો અર્થ છે રાજયમાં બાળકોના, ખાસ કરીને વંચિત સમુદાયોના બાળકોના અધિકારોનું મોટાપાયે હનન. તેમણે દલીલ કરી હતી કે કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટ ૨૦૦૫ અનુસાર આવું કમિશન નીમવાની રાજ્ય સરકારોની જવાબદારી છે, તેમ છતાં ગુજરાત સરકારે તેની ઉપેક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે

આવેદનપત્રમાં દર્શાવવામાં આવ્યું હતું કે અલગ બાલ આયોગના બદલે રાજ્યના મહિલા આયોગને બાળ અધિકારો સંબંધિત મુદ્દાઓ સોંપવાનો ગુજરાત સરકારનો દાવો ખોખલો છે અને હકીકતમાં, તે કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટનું ઉલ્લંઘન છે. મહિલા આયોગને તેનું પોતાનું મેન્ડેટ હોય છે અને બાળકોના અધિકારોના હનનના કેસો હાથ ધરવા પૂરતા માનવ સંસાધનો ધરાવતું નથી, એમ જણાવીને આવેદનપત્રમાં કાયદાની જરૂરિયાત પ્રમાણે ગુજરાત સરકારે અલગ બાલ આયોગની રચના કરવી જ જોઇએ એ બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો. મહિલા આયોગને બાલ આયોગના આટલા બધા કામો સોંપવાથી બાળ અધિકારો સાથે મોટા પ્રમાણમાં ચેડા થશે.

ગુજરાતના સૌથી સક્રિય દલિત જૂથો પૈકીના એક મંચે સુપ્રત કરેલા આવેદનપત્રએ (ખાસ કરીને રાજ્યની વંચિત જાતિઓ અને આદિવાસી સમુદાયોના) બાળકોના અધિકારોના થઈ રહેલા નરદમ ભંગની વિગતે વાત કરી હતી. આને કારણે રાજ્યમાં એક પૂર્ણ કક્ષાના બાલ આયોગની જરૂરિયાત હોવાનું તેમા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ઓછામાં ઓછા ચાર લાખ બાળ મજુરો (જે નિશંકપણે, દલિતો અને આદિવાસીઓ જ હોય) છે અને તેથી રાજ્ય બાળ મજુરોના સંદર્ભમાં દેશના ૨૮ રાજ્યોમાં નવમાં સ્થાને છે, એમ આવેદનપત્રમા જણાવવામાં આવ્યું હતું. બાળ મજુરી ગેરકાનૂની ઘોષિત કરવામાં આવી હોવા છતાં રાજ્ય સરકારે આ સમસ્યાને હલ કરવા ઝાઝો ઉત્સાહ દર્શાવ્યો નથી, એમ તેમાં જણાવાયું હતું. ૨૦૦૧થી ૨૦૧૦ના ગાળામાં ૪૫૦૦ કરતા પણ ઓછા બાળ મજુરોને મુક્ત કરવામાં આવ્યા હતા.  આ વર્ષની ૩૧મી જાન્યુઆરીની સ્થિતિએ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ  સમક્ષ દસ હજાર કરતા વધારે કેસો પેન્ડિંગ પડ્યા હોવાનું આવેદનપત્રએ નોંધ્યું હતું. દર વર્ષે હજારો મજુરો (મોટાભાગના ગરીબ દલિતો અને આદિવાસીઓ) તેમના બાળકો સાથે પડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં ખેતરો અને ફેક્ટરીઓમાં અત્યંત કઠોર અને શોષણકારી પરિસ્થિતિઓમાં કામ કરવા આવે છે, તેમ છતાં આવા સ્થળાંતરીત મજુરો અને તેમના બાળકોના ગંભીર સવાલો ઉકેલવા આંતર-રાજ્ય સંકલન સમિતિ રચવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે, એમ તેમાં જણાવવામાં આવ્યું હતું.

સગીર બાળાઓ સહિત એક લાખ કરતા વધારે બાળકોનું ગુજરાતના સાત જિલ્લાઓમાં જેનેટિકલી મોડિફાઇડ બીટી કોટનની ખેતીમાં શોષણ અને જાતિય શોષણ થઈ રહ્યું હોવાનું આવેદનપત્રમાં દર્શાવાયું હતું. આમાં પણ મોટાભાગના બાળકો વંચિત સમુદાયોના અને ઐતિહાસિક રીતે કચડાયેલા દલિત અને આદિવાસી સમુદાયોના હોય છે. કર્મશીલ જૂથોએ બનાસકાંઠા જિલ્લામાં બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરો અંગે જિલ્લાના કલેક્ટરને પુરાવા આપવા છતાં આવા બાળ મજુરોના અસ્તિત્વનો કલેક્ટરે ધરાર ઇનકાર કર્યો તે બાબતને પણ આવેદનપત્રમાં આઘાત સાથે નોંધવામાં આવી છે. આવેદનપત્રએ નોંધ્યું હતું કે દલિત હક રક્ષક મંચે નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)ને તેની અર્ધ-ન્યાયિક સત્તાઓનો ઉપયોગ કરીને ગુજરાતના સરકારી અધિકારીઓને સમન્સ પાઠવવા વિનંતી કરી છે, જેથી તેમને પૂછી શકાય કે તેઓ શા માટે શોષણના આવા ગંદા સ્વરૂપને ચાલવા દે છે.

આવેદનપત્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મંચે જે અલગ બાલ આયોગની રચના માટે સરકારને આગ્રહ કર્યો છે તે આયોગ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૫ના યોગ્ય અમલ માટે પણ જરૂરી છે. તેણે નોંધ્યું હતું કે રાજ્યના અસંખ્ય બાળકોને (જેમાંના મોટાભાગના સંભવિતપણે દલિત અને આદિવાસી) પ્રાથમિક શિક્ષણની સવલતો પૂરી પાડવામાં આવતી નથા, જે કૈંક અંશે આવેદનપત્રના જણાવ્યા પ્રમાણે, સરકારની નિંભરતાને કારણે છે. ગુજરાત બાળકોના રસીકરણમાં દેશના ૨૧ રાજ્યોમાં બહુ પાછળ છે અને આ બાબત ગુજરાત સરકારના આરોગ્ય ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓના દાવાનો પર્દાફાશ કરે છે. આવેદનપત્ર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલની જવાબદારી રાજ્યના મહિલા આયોગને સોંપવાના રાજ્ય સરકારના નિર્ણયની ટીકા કરતા જણાવે છે કે, આ નિર્ણય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની મશ્કરી સિવાય બીજુ કંઈ જ નથી. આ તમામ કારણસર રાજ્યમાં અલગ બાલ આયોગની રચના અનિવાર્ય હોવાનું આવેદનપત્ર જણાવે છે.

રાજ્યના ભાવિ નાગરિકો સંબંધિત આ નિર્ણાયક બાબતો માટે સંસાધનો વાપરવા નહીં માગતી મખ્ખીચૂસ ગુજરાત સરકારને યોગ્ય આદેશ આપવાની મહામહિમ રાજ્યપાલને આવેદનપત્રના અંતે  વિનંતી કરવામાં આવી છે.

તો આ છે વિકાસના મોદી મોડેલની કહાની.     


Courtesy: Countercurrents.org, 19 August, 2011

બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરીના વધુ પુરાવા



દલિત હક રક્ષક મંચના  સ્ટિંગ ઓપરેશને એનસીપીસીઆરને ગુજરાત આવવાની ફરજ પાડી


વાદી પ્રતાપ (12 વર્ષ)
નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)ના અધ્યક્ષને એક પત્ર પાઠવીને દલિત હક રક્ષક મંચ (ડીએચઆરએમ)ના સેક્રેટરી રાજેશ સોલંકીએ ઉત્તર ગુજરાતમાં બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરીના સમર્થનમાં વધુ પુરાવા પૂરા પાડ્યા છે. આ પત્ર એ સમયે લખવામાં આવ્યો છે, જ્યારે ગુજરાત સરકાર રાજ્યના કોઇપણ ભાગમાં બીટી કોટનમાં બાળ મજુરીનું અસ્તિત્વ હોવાનું ઝનુનપૂર્વક નકારી રહી છે.

બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરીના નિર્મૂલન માટેના ચીફ કેમ્પેનર સોલંકીએ જણાવ્યું છે કે, "સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાઓના ગામોમાં બીટી કોટનના ખેતરોમાં ડીએચઆરએમના કર્મશીલોએ તાજેતરમાં કરેલા સ્ટિંગ ઓપરેશનં શોષણના ઘાતકી ચહેરાને ખુલ્લો કર્યો છે." ગુજરાતના બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરી અંગેની ફરિયાદોની તપાસ કરવા એનસીપીસીઆર તેના પ્રતિનિધિમંડળને મોકલવાનું હતું, પરંતુ રાજ્ય સરકારની વિનંતી પછી કમિશને તેની મુલાકાત પડતી મૂકી હોવાથી ઉપરોક્ત સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સોલંકીએ ઉમેર્યું હતું કે, "અમારી કેમેરા ટીમે જાનના જોખમે છેલ્લા પંદર દિવસથી રીતસર કેદમાં રખાયેલા બાળ મજુરોના ફોટા લીધા છે અને તેમની ઇન્ટર્વ્યૂ રેકોર્ડ કર્યા છે." તેમના "રૂઢિચુસ્ત અંદાજ" પ્રમાણે, ગુજરાતમાં બીટી કોટનના ખેતરોમાં હાલ લગભગ એક લાખ બાળ મજુરો કામ કરી રહ્યા છે.

બુંદડીયા નરેશ (વર્ષ 11)
એક ફોટો બનાસકાંઠા જિલ્લાના દીયોદર તાલુકાના રવેલ ગામે 11 વર્ષના બુંદડીયા નરેશ ઓગણભાઈ અને દસ મજુરો અને ઓછામાં ઓછા ચાર બાળ મજુરોનો છે. તે બધા સાબરકાંઠ જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પોશીના પાસેના જીજનાત ગામના છે. સોલંકીનો પત્ર જણાવે છે, "તેમને પાંચ જ દિવસમાં પાછા મોકલી દઇશું એમ કહેવામાં આવ્યું હતું, હવે તેમને ખેતરોમાં કામ કરવાની ફરજ પડાઈ રહી છે," નરેશનો 12 વર્ષનો ભાઈ બુંદડીયા કિરણ ઉદાભાઈ માળી સુખાજી ગણેશજીના ખેતરમાં કામ કરી રહ્યો છે. સોલંકી કહે છે, "સાબરકાંઠા જિલ્લામાં થયેલા બીજા સ્ટિંગ ઓપરેશનમાં જણાયું છે કે અહીં ખેડુતો આદિવાસી જિલ્લા પંચમહાલમાંથી બાળ મજુરોની આયાત કરી રહ્યા છે ...... ચાર બાળકો સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકના ઇડર ગામે હીરા રેવા પટેલના ખેતરમાં કામ કરી રહ્યા છે. તેમાં બામણીયા પિયુષ મકનાભાઈ (10 વર્ષ), વાદી અર્જુન ચીમનભાઈ (8 વર્ષ), વાદી પ્રતાપ ઇશ્વરભાઈ (12 વર્ષ) અને વાદી નરેશ બાબુભાઈ (15 વર્ષ)નો સમાવેશ થાય છે. તે બધા સંતરામપુર ગામ (તાલુકો સંતરામપુર, જિલ્લો પંચમહાલ)ના છે.

ગુજરાતના કોઇપણ ગામડામાં
બીટી કોટનના કોઇપણ ખેતરમાં
પ્રવેશવું સરળ નથી

વરિષ્ઠ કર્મશીલ વધુમાં કહે છે, "ગુજરાતના કોઇપણ ગામડામાં બીટી કોટનના કોઇપણ ખેતરમાં કૂતુહલથી પ્રેરાયેલા કોઇ મુલાકાતી માટે પ્રવેશવું સરળ નથી. ખેડુતો અને મેટો (બાળકોને ખેતરોમાં લાવતા એજન્ટો)ની સાવધાન નજરો વાઇબ્રન્ટ ગુજરાતના ગુલામવાડામાં પ્રવેશવાની હિંમત કરતા અજનબીઓનું સતત નિરીક્ષણ કરતી જ હોય છે. જો તેમને લાગે કે કોઇ વ્યક્તિ બાળકોને જોવા માટે આવી છે, તો તેની કારનું પથ્થરોથી સ્વાગત થઈ શકે છે. અહીં, 'સરકાર'નો અર્થ એક ઉંદરથી વિશેષ થતો નથી, જેને પતાવી દેવી જોઇએ એવું માનવામાં આવે છે.

ડીએચઆરએમ આ બાબતમાં એનસીપીસીઆરના હસ્તક્ષેપ કરે તેવો આગ્રહ રાખી રહ્યું છે. જોકે, સોલંકી કહે છે તેમ, "ગુજરાત સરકાર આ બાબતમાં ગંભીર નથી. આ વર્ષે પણ છેલ્લી ઘડીએ ગુજરાત સરકાર એનસીપીઆરની ટીમની ગુજરાતની મુલાકાત રદ કરાવવામાં સફળ રહી છે. હવે, બીટી કોટનની સીઝન પતવા આવી છે. અમારા પુરાવાના આધારે, એનસીપીઆર કોઇપણ પ્રતિષ્ઠિત, લાયકાત ધરાવતા બાળ અધિકાર કર્મશીલને (ગયા વર્ષે સોંપી હતી તેમ) તપાસ સોંપી શકે છે, અને એ કર્મશીલ બીજા વર્ષ સુધી તેમની પવિત્ર તપાસ લંબાવશે!"
                        (સૌજન્ય કાઉન્ટરકરન્ટ વેબસાઇટના સૌજન્યથી, 23 સપ્ટેમ્બર, 2011)


ગુરુવાર, 9 ફેબ્રુઆરી, 2012

અમદાવાદમાં દલિત બાળકોનો ડ્રોપઆઉટ રેટ



ભગવા નીચે અંધારુ

(રાજપુર-ગોમતીપુરનો કેસ સ્ટડી, 2009)

20 ચાલીઓ

1052 કુટુંબો

4026 વિદ્યાર્થીઓ

2157 ડ્રોપઆઉટ

ડ્રોપઆઉટની ટકાવારી 54.11

235 "સત્તાવાર" બીપીએલ કુટુંબો

376 "બીપીએલ કાર્ડથી વંચિત કુટુંબો"

રૂ. 3500થી ઓછી આવક ધરાવતા 611 કુટુંબો

આ વાંચીને ઘણા લોકોના ભંવા ચડી જશે. પરન્તુ, આ એક ભયાનક સચ્ચાઈ છે. ગુજરાતના આર્થિક, સાંસ્કૃતિક પાટનગર અમદાવાદ શહેરમાં વસતા દલિત બાળકોમાં ડ્રોપ-આઉટનો દર સેક્સ વર્કર્સના બાળકો જેટલો જ છે. આ શહેરમાં ગુજરાતના કુલ દલિતોનો ચોથો ભાગ વસે છે. દલિત સંગઠનોના ઝુઝારૂ નેતાઓ, સામાજિક કાર્યકારો, રાજકારણીઓ, પરગણાઓના બેતાજ બાદશાહો, આગેવાનો, ગેઝેટેડ અધિકારીઓ અને હવે તો ધર્મ પરિવર્તનની ધખના લઇને બેઠેલા નવ બોદ્ધો... કહો કે આ શહેરમાં ગુજરાતના દલિતોનું ઉત્કૃષ્ટ બુદ્ધિધન વસે છે. અને છતાં આ શહેરમાં દલિત બાળકોની અવદશા કોલકાત્તાના સોનાગાછી વિસ્તારની રૂપજીવિનીઓના બાળકોથી સહેજ પણ જુદી નથી.
243 બાળ મજૂરો, 2157 ડ્રોપ- આઉટ, ગરીબીની રેખા નીચે જીવતા 'સરકારી' બીપીએલ 235 કુટુંબો અને એમનાથી પણ વિશેષ સંખ્યામાં(બીપીએલનો આંકડો ઘટાડવાના વહીવટી પડયંત્રના ભાગરૂપે) જેમાના બીપીએલ છીનવાઈ ગયા છે, તેવા 36 કુટુંબો અને 163 નિરાધાર વિધવાઓ દલિત હક રક્ષક મંચના ઉપક્રમે રાજપુર-ગોમતીપુરની વીસથી વધારે ચાલી વિસ્તારોના 1052 કુટુંબોના સર્વેમાં ઉપરોક્ત ચોંકાવનારા આંકાડાઓ બહાર આવ્યા છે. આ 1052 કુટુંબના 4026 વિધાર્થીઓમાંથી 2157 વિધાર્થીઓ ડ્રોપ આઉટ છે, એટલે કે ભણતર અધૂરું મૂકીને ઉઠી ગયા છે. વિશેષમાં, આ 1052 કુટુંબોમાં 611 કુટુંબો એવા છે, જેમાં પતિ-પત્ની બંને મજૂરી કરે તો પણ માસિક આવક 3500 રૂપિયા કરતા વધતી નથી.

પશ્ચિમ બંગાળના મહિલા અને બાળ અને સમાજ કલ્યાણ વિભાગ તેમજ યુનિસેફની મદદથી કોલકાતાના જયપ્રકાશ ઇન્સ્ટિટયૂટ ઑફ સોશલ ચેન્જ (જેપીઆઈએસસી)એ કોલકાત્તાના રેડ લાઇટ એરીયા સોનાગાછી વિસ્તારમાં કરેલા સરવે પ્રમાણે "......ઘોરણ પાંચથી સાતના બાળકોમાં અને ખાસ કરીને છોકરીઓમાં ડ્રોપ આઉટ રેટ અત્યંત ઉંચો છે.... આ સરવેમાં 1200 સેમ્પલ કુટુંબો આવરી લેવામા આવ્યા હતા અને જણાયું હતું કે 2003 બાળકો કયારેય શાળાએ ગયા નથી, 384 બાળકોએ પૂર્વ-પ્રાથમિક કક્ષાએ જ શાળા છોડી દીધી હતી, જયારે માત્ર 13 બાળકો ઉચ્ચા માધ્યમિક કક્ષામાં જઈ શક્યા હતા."

રાજપુર-ગોમતીપુર વિસ્તારના એ 243 બાળમજૂરોની વાત સૌ પહેલા કરીએ. ગુજરાતના શાસકો અને એમના અધિકારીઓ સમાજ-વ્યવસ્થાનો સૌથી ઘાતકીપણે ભોગ બનેલા લોકો માટે સંસ્કૃતમય પદાવલીઓ યોજવામાં ઉસ્તાદ છે. તેઓ બાળકો માટે 'બાળ શ્રમયોગી' શબ્દ વાપરે છે, પરન્તુ આપણે એમને બાળ મજૂરો જ કહીશું.  આ બાળકોમાં ચૌદ વર્ષથી નીચેના 21 બાળ મજૂરો, જેમાં 18 છોકરાઓ અને 3 છોકરીઓ; 15 વર્ષના વયના 27 બાળમજૂરો, જેમાં 18 છોકરાઓ અને 9 છોકરીઓ; 16 વર્ષના વયના 28 કિશોર મજૂરો, જેમાં 19 છોકરાઓ અને 9 છોકરીઓ; 17 વર્ષના વયના 51 મજૂરો, જેમાં 11 છોકરીઓ અને 17 છોકરાઓ અને 18 વર્ષની વયના 107 કહેવાતા પુખ્ત મજૂરો જેમણે છેક 14 વર્ષની વયથી આછીપાતળી આવક ધરાવતા માબાપને ટેકો કરવા મજૂરીનો રાહ પકડી લીધો હતો અને જેમને આ દેશના બંધારણે મતાધિકાર આપ્યો છે, એવા 90 છોકરાઓ અને 17 છોકરીઓ સહિત કુલ 243 બાળકો, કિશોરોનો સમાવેશ થાય છે.

સર્વે હેઠળના વિસ્તારોમાં, 1. ખાડાવાળી ચાલી, 2. વોરાની ચાલી, 3. શકરા ઘાંચીની ચાલી, 4. હીરા ઘાંચીની ચાલી, 5. સળિયાવાલી ચાલી, 6. હવાડાની પોળ (મહાસુખરામની ચાલી, પોપટીયા વડ, જીવરામ ભટ્ટાની ચાલી), 7. કુંડાવાલી કાનજીભાઈ કાલીદાસ ચાલી, પોસ્ટ ઑઓફિસ સામે, 8. અબુ કસાઈની ચાલી, પોસ્ટ ઑફિસ સામે, 9. હીરાલાલની ચાલી, દૂધવાળી લાઇન, 10. સુથારવાડાની પોળ, 11. જૈન દેરાસર, 12. મહેબૂબ બિલ્ડીંગ, મણિયારવાડો, 13. મરીયમબીબી મસ્જીદ, 14. ચંદા મસ્જીદ, 15. ઝુલતા મીનારા(અમનનગર છાપરા, બીબી મસ્જીદ, તુલસી પાર્ક)નો સમાવેશ કરવામાં આવ્યો હતો.

વિસ્તાર પ્રમાણે ડ્રોપ-આઉટની પેટર્ન જોઇએ તો ખ્યાલ આવે છે કે સાતમાંથી દસમાં ઘોરણમાં જતા ડ્રોપ-આઉટનું પ્રમાણ વધતું જાય છે. અને દસમું ઘોરણ ડ્રોપ- આઉટની પરાકાષ્ટા છે. મોટા ભાગના બાળકો દસમા ઘોરણને વટાવી શકતા નથી. આમાંના નેવું ટકા બાળકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં ભણે છે, જ્યાં વર્ષમાં 200 દિવસનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ થતું નથી. વર્તમાન સરકારની વિજયોત્સવો, કાર્નીવલો અને મહોત્સવો ઉજવવાની ઘેલછાએ ઉપરોક્ત બાળકોને શાળાઓ છોડાવવામાં કેટલી ભૂમિકા ભજવી એ એક તપાસનો વિષય છે. 'સાબરમતી રીવર ફ્રન્ટ ઉપર ચોજાએલા આંતરરાષ્ટ્રીય પંતગ મહોત્સવમાં વહેલી સવારથી 7500 બાળકોને હાજર કરી દેવામાં આવ્યા હતા. કાંકરીયા કાર્નિવલના ઉદ્દ્ઘાટન સમારોહમાં 10,000 બાળકોને કલોકો સુધી ભર તડકામાં ઉભા રાખવામાં આવ્યા હતા.' (જનસત્તા, તા. 29-1-2010)

સર્વ હેઠળના વિસ્તારોમાં મુખ્યત્વે ગરીબ સમુદાયો વસે છે. પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાં આ વિસ્તારોમાં લાલ ઝંડાની આણ હતી. એ વખતે સમ્રગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સીપીએમના એક માત્ર કોર્પોરેટર અહીંથી ચુંટાયા હતા. વીસ-પચીસ વર્ષ પહેલા આ વિસ્તારો કોમી એખલાસની મિશાલ સમાન હતા. બનેં કોમો સંપથી રહેતી હતી. 1981ના અનામત વિરોધી રમખાણો પછી  આ સંપ રહ્યો નથી. એના કારણો ગમે તે હોય, પરિણામ તમારી નજર સામે છે. શું આપણે આ બાળકોના ભાવિ માટે કશું વિચારીએ છીએ ખરા? નદીની પેલે પાર નવરંગપુરા, નારણપુરા, સેટેલાઇટ વિસ્તારોમાં એક કિશોર ભણવાના ટેન્શના કારણે આપઘાત કરે તો, છાપાઓમાં મોટી હેડલાઇનો બને છે. આ વિસ્તારોમાં હજારો કિશોરો આર્થિક બેહાલીના કારણે ટેન્શનમાં ભણી જ શકતા નથી તો એની નોંધ કોણ લે છે?


મંગળવાર, 7 ફેબ્રુઆરી, 2012

ગુજરાત સરકારની બાળ મજૂર નીતિ


રીપોર્ટ કાર્ડ 2011



દસ વર્ષમાં માત્ર 4391 બાળ મજુરો મુક્ત થયા


2001ના સેન્સસ પ્રમાણે ગુજરાતમાં બાળ મજૂરોની સંખ્યા 4,85,530 છે. ભારતના 28 રાજ્યોમાં વાઇબ્રન્ટ ગુજરાતનો ક્રમ નવમો છે. શ્રમ આયુક્તની વેબસાઇટ સપ્ટેમ્બર, 2010માં એનએસએસનો સેમ્પલ ડેટા ટાંકીને જણાવે છે કે ગુજરાતમાં કુલ 3,99,820 બાળ મજૂરોમાં શહેરી ગુજરાતનો ફાળો 86,130 છે, જ્યારે ગ્રામીણ ગુજરાતમાં 3,13,700 બાળ મજૂરો છે. આ આંકડાઓ પ્રમાણે 2001થી 2010 સુધીમાં ગુજરાતમાં બાળ મજૂરોની સંખ્યા 4,85,530 થી ઘટીને 3,99,820 થઈ છે. આનો અર્થ એવો થયો કે દસ વર્ષના ગાળામાં માત્ર 85,710 બાળ મજૂરો ઘટ્યા.

સરકાર આરટીઆઈમાં શું કબુલ કરે છે?

દલિત હક રક્ષક મંચના સેક્રેટરીએ તા. 26\11\2010ના રોજ આરટીઈ હેઠળ કરેલી અરજીના જવાબમાં ગુજરાત રાજ્યની શ્રમ આયુક્તની કચેરીએ તા. 11\1\2011ના રોજ આપેલા જવાબમાં નીચે મુજબના આંકડાઓ રજુ કર્યા હતા.


વર્ષ
મુક્ત કરાયેલા બાળ મજૂરો
વર્ષ
મુક્ત કરાયેલા બાળ મજૂરો
વર્ષ
મુક્ત કરાયેલા બાળ મજૂરો
1999
26
2003
36
2007
488
2000
71
2004
56
2008
1015
2001
69
2005
488
2009
611
2002
09
2006
888
2010
634


આરટીઆઈમાં ખૂલેલા ઉપરોક્ત આંકડાઓ સરકારી વેબસાઇટ પર રજુ થતા ચિત્રથી કૈંક જુદી જ રજુઆત કરે છે. 1999થી 2010 સુધીમાં માત્ર 4391 બાળ મજૂરોને બાળ મજૂરીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તો પછી 84,710 બાળ મજૂરો કઈ રીતે ઘટી ગયા?

સ્થળાંતરીત બાળ મજૂરોનો કોઈ સર્વે થતો નથી

ઉપરોક્ત પત્રમાં શ્રમ આયુક્તની કચેરી એવું પણ કબૂલ કરે છે કે વિભાગે સને 1991થી 2010 દરમિયાન રાજ્યમાં બાળ મજૂરો સહિત માઇગ્રન્ટ મજૂરોની સંભાવના ધરાવતા વિસ્તારોનો સર્વે કરેલ નથી. આવો સર્વે કરવામાં આવે તો કયા વિસ્તારમાં બાળ મજૂરીને કારણે ડ્રોપ આઉટનો દર વધારે છે તેની જાણ થઈ શકે છે. અને તેમ થાય તો જે તે વિસ્તારમાં આવા ડ્રોપ આઉટ બાળકોને ફરીથી શાળામાં દાખલ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય છે. ગુજરાતમાં બીટી કોટનના ખેતરોમાં જુલાઈથી સપ્ટેમ્બરની સીઝન દરમિયાન એક લાખ આદિવાસી બાળકોને તેમનું ભણતર છોડાવીને મજૂરીએ લગાવી દેવામાં આવે છે. બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાઓમાં આવા બાળકોનું મોટું પ્રમાણ છે.

આંતરરાજ્ય સંકલન સમિતિની રચના થઈ નથી


કચેરી એ પણ સ્વીકારે છે કે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા સ્થળાંતરીત મજૂરોની નોંધ રાખવા માટે કોઈ અલગ વ્યવસ્થાતંત્ર નથી. એટલું જ નહીં બાળ મજૂર સહિતના સ્થળાંતરીત મજૂરો માટે આંતર-રાજ્ય સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી નથી. આંતર રાજ્ય સ્થળાંતરીત અધિનિયમ અનુસાર સ્થળાંતરીત મજૂરોનું તેમના મૂળ રાજ્યમાં તેમ જ જે રાજ્યમાં તેઓ સ્થળાંતર કરે છે તે રાજ્યમાં રજિસ્ટ્રેશન અનિવાર્ય હોય છે. ગુજરાતના બનાસકાંઠા-સાબરકાંઠા જેવા જિલ્લાઓના બીટી કોટનના ખેતરોમાં કામ કરવા દક્ષિણ રાજસ્થાનથી આવતા આદિવાસી બાળ મજૂરો કે પછી ગુજરાતના ઇંટ ભઠ્ઠાઓમાં કામ કરવા કુટુંબ સહિત આવતા પરપ્રાંતીય મજૂરોનું ભયંકર શોષણ થાય છે.

એક અન્ય આરટીઆઈના જવાબમાં  તા. 05/12/2009ના રોજ શ્રમ વિભાગે કબુલ્યુ હતું કે તા. 01/04/2008થી તા. 31/03/09 દરમિયાન અમદાવાદ જિલ્લામાં માત્ર 37 (સાડત્રીસ) બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનું પુન:સ્થાપન કરવામાં આવ્યું હતું. અમદાવાદ જેવા મહાનગરના આ આંકડાઓ દર્શાવે છે કે શ્રમ વિભાગ કેવી ગોકળગાયની ગતિથી કામગીરી કરી રહ્યું છે.   

અગરબત્તી બનાવો,
ઘરમાં બાળ મજુરી ચાલુ રાખો

આરટીઆઈ અરજીના પ્રતિભાવમાં શ્રમ આયુક્તની કચેરીએ જણાવ્યું હતું કે વિભાગ બાળ મજૂરોના પુન: સ્થાપન માટે અગરબત્તી બનાવવાની કીટ વહેંચી રહ્યું છે. બીજી તરફ, બાળ મજૂર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ, 1986 હેઠળ કુલ 65 પ્રક્રિયાઓને પ્રતિબંધિત ઠેરવવામાં આવી છે અને તેમાં બાળ મજૂરોનો વિનિયોગ કાયદેસર ગુનો છે. જે પ્રક્રિયાને કાયદા હેઠળ જોખમી ગણીને પ્રતિબંધિત ઠેરવવામાં આવી હોય તે જ પ્રક્રિયાને લગતી કીટ શ્રમ વિભાગ પોતે વહેંચી રહ્યું હોય અને તે પણ બાળ મજૂરોના પુન: સ્થાપન માટે, તેનાથી મોટી કરુણતા શી હોઈ શકે છે?

આ કહેવાતા સરકારી પુન: સ્થાપનનું બીજું આઘાતજનક પાસુ એ છે કે અગરબત્તી વણવાની કીટ (અને તે પણ પ્રતિબંધિત હોવા છતાં!) વહેંચવા સિવાય શ્રમ વિભાગ આ બાળકોના પુન: સ્થાપન માટે કોઈ અન્ય કામગીરી કરતું નથી. જેમ કે નોડલ વિભાગ તરીકે શ્રમ વિભાગની એ જવાબદારી છે કે તેણે આ બાળકોના શૈક્ષણિક પુન: સ્થાપન માટે શિક્ષણ વિભાગને જણાવવું જોઇએ, પરંતુ શ્રમ વિભાગ કહેવાતા મુક્ત કરાયેલા આ બાળકો અંગે શિક્ષણ વિભાગને જાણ કરતું નથી.