કુલ પૃષ્ઠ અવલોકનો

સોમવાર, 13 ઑગસ્ટ, 2012

જુવેનાઇલ હોમના બાળકો સાથે

અમદાવાદના ખાનપુર વિસ્તારમાં આવેલું રીમાન્ડ હોમ, જે હવે ઓબ્ઝર્વેશન હોમના નામે ઓળખાય છે. કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો હોય કે પછી મંદિરોના દરવાજે ભીખ માગતા બાળકો હોય - તમામને અહીં લાવવામાં આવે છે. ચાલીસ લાખની વસતી ધરાવતા શહેરમાં માત્ર એક જ હોમ છે.  જુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે આ હોમ ગેરકાનૂની છે. એક્ટની જોગવાઈ પ્રમાણે કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકો માટે અલગ હોમની વ્યવસ્થા કરવી જોઇએ, પરંતુ અહીં આવા બાળકોની સાથે સામાન્ય બાળકોને પણ રાખવામાં આવે છે.  કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)ની ટીમ અમદાવાદ આવે ત્યારે આ હોમની મુલાકાત લે છે, પરંતુ તેની ભલામણોનો અમલ થતો નથી. 

મેગા સીટી અમદાવાદમાં નીત નવા મોલ બન્યા, પોલીસ સ્ટેશનો નવા ઉમેરાયા, મોટા મંદિરો બન્યા,   ફ્લાય ઓવરબ્રીજો બન્યા, પરંતુ કોઇને ચાલીસ લાખની આબાદી ધરાવતા શહેરના બાળકો માટે વિશેષ જુવેનાઇલ હોમ બનાવવાની જરૂર જણાતી નથી. રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ પાસે આ હોમ અંગે ૪ મે, ૨૦૧૨એ માહિતી અધિકારના કાયદા હેઠળ જાણકારી માગી તો એમણે જવાબ આપ્યો કે આ હોમ અમારા કાર્યક્ષેત્રમાં આવતુ નથી. 

શહેરમાં બાળ ગુનેગારોની સંખ્યા વધી, બાળ મજુરીના પ્રમાણમાં વધારો થયો, પરંતુ બાળકોના પુનસ્થાપન માટે યોગ્ય માળખાં રચાયા નથી. ચાઇલ્ડલાઇન નામની સંસ્થા મંદિરો આગળ ભીખ માગતા બાળકોને લાવીને હોમમાં દાખલ કરી દે છે, ત્રણ-ચાર વર્ષના બાળકો  હોમમાં રડી રડીને અધમૂઆ થઈ જાય છે. તમારું બાળક ખોવાય જાય અને આવા કોઈ હોમમાં હોય તો તમને એની ખબર પડતી નથી. તમે હોમની મુલાકાત લઈ શકતા નથી, કેમ કે હોમના સંચાલકો કહે છે, કાયદા પ્રમાણે હોમમાં રહેલા બાળકોની ઓળખ છતી થવી જોઇએ નહીં. 

અમે હોમમાં એ બાળકોને મળ્યા, જે કાયદા સાથે સંઘર્ષમાં આવેલા છે. એક્ટ પ્રમાણે, હવે બાળ ગુનેગાર શબ્દની જગ્યાએ "કાયદા સાથે સંઘર્ષમાં આવેલું બાળક" શબ્દ વાપરવાનો છે અને આવા બાળકો માટે ધરપકડ, રીમાન્ડ, આરોપી, ચાર્જશીટ, ટ્રાયલ, પ્રોસીક્યુશન, વોરન્ટ, સમન્સ, કન્વિક્શન, ઇનમેઇટ, ડેલિકવન્ટ, નીગ્લેક્ટેડ, કસ્ટડી કે જેલ જેવા શબ્દો વાપરવા ઉપર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે. જ્યાં પણ  આવા શબ્દોનો ઉપયોગ પોલીસ દ્વારા થાય ત્યાં તેને કાયદો બતાવવાની આપણી પવિત્ર ફરજ છે. કેમ કે હજુ પણ પોલીસ આવા શબ્દો વાપરી રહી છે. નવી શરૂઆતના સિદ્ધાંત પ્રમાણે, બાળકે આચરેલા કોઇપણ ગુનાના ભૂતકાળના રેકોર્ડ સાચવી રાખવામાં આવશે નહીં, એટલે કે તે ભૂંસી નાંખવામાં આવશે. 
જેમાં સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ હોય તેવા તમામ ગુનામાં બાળકોને જામીન પર છોડી દેવાની કાયદામાં જોગવાઈ છે. માત્ર રેપ, મર્ડર જેવા અત્યંત ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બાળકોની જ અટકાયત કરવાની પોલીસને સત્તા આપવામાં આવી છે. ૩૧ માર્ચ, ૨૦૦૯એ ગુજરાત વિધાનસભામાં કોમ્પટ્રોલર એન્ડ ઑડિટર જનરલ ઑફ ઇન્ડીયા (સીએજી)એ રજુ કરેલા અહેવાલમાં અમદાવાદના ઓબ્ઝર્વશન હોમની કડક ટીકા કરતા જણાવવામાં આવેલું કે અહીં રક્ષણ અને સંભાળની જરૂરિયાત ધરાવતા બાળકોની સાથે એવા બાળકોને પણ રાખવામાં આવે છે કે જેમના પર ત્રાસવાદ હેઠળ તહોમતો મુકવામાં આવ્યા હોય.
પરાણે ભીખ મંગાવતા માબાપ, દુશ્મનાવટભરેલી સામાજિક સ્થિતિ, હોમનું પરાયું વાતાવરણ - આ તમામ મુશ્કેલીઓ વચ્ચે હસતા મુખે જીવતા આ બાળકો સાથે જો તમે થોડોક સમય પણ વીતાવો તો એની મજા જ કંઈ ઓર છે. આ માટે તમારે સેલીબ્રીટી થવાની જરૂર નથી. બાળકો માટે તમે સેલીબ્રીટી જ છો.

 કાયદામાં "કાળજી અને રક્ષણની જરૂર ધરાવતા બાળક"ની વ્યાખ્યા કરવામાં આવી છે, તે  પ્રમાણે, 1. કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને મુલકી સંઘર્ષોને કારણે કામચલાઉ કે કાયમી ધોરણે અસર પામતા બાળકો તેમજ અસ્પૃશ્યતા અને સામાજિક-આર્થિક બહિષ્કારનો ભોગ બનેલા બાળકો અને 2. એવા બાળકો, જેમના માતાપિતા અથવા વાલીઓ પોતાના વ્યવસાયને કારણે અને જીવનનિર્વાહના માર્ગોને કારણે અથવા વિકાસલક્ષી કામો, કાયદાનો અમલ, કે તેમના કુટુંબની જમીન જેવા સંસાધનોનું રાજ્ય દ્વારા સંપાદન થવાને કારણે તેમને શિક્ષણ સહિતની પાયાની જરૂરિયાતો, કામચલાઉ કે અન્ય રીતે પૂરી પાડવા સમર્થ ના હોય. પરપ્રાંતમાંથી ગુજરાતમાં રોજીરોટી માટે સ્થળાંતર કરીને આવતા ઇંટભઠ્ઠા, બીટી કોટન સહિતના તમામ મજુરોના બાળકો આ અર્થમાં "કાળજી અને રક્ષણની જરૂર ધરાવતા" બાળકની વ્યાખ્યામાં આવે. 2002 નરસંહારને કારણે, રીવરફ્રન્ટ યોજનાને કારણે, આંતરીક રીતે વિસ્થાપીત થયેલા તમામ બાળકો પણ આ વ્યાખ્યામાં આવી જાય.

અમેરિકામાં છેક 1990થી 1918ના સમયગાળાથી (જેને અમેરિકનો પ્રગતિશીલ કાળ કહે છે) બાળ મજુરી અને બાળ અધિકાર માટેની સભાનતા શરૂ થઈ ગઈ હતી. આમ તો 18મી-19મી સદીથી રાજકીય-સામાજિક સુધારકો અને મનોવૈજ્ઞાનિકોના સંશોધનોએ બાળ ગુનેગારો પ્રત્યેના સમાજના અભિગમમાં પરીવર્તન આણવાનું શરૂ કરી દીધું હતું. બાળ ગુનેગારોને સજા કરવાના બદલે તેમના પુન:સ્થાપનની હિમાયત કરતા કર્મશીલોએ છેક 1824માં અમેરિકાનું પ્રથમ ન્યૂ યોર્ક હાઉસ ઑફ રેફ્યુજ સ્થાપ્યું. આ બાળ ગુનેગારોને અગાઉ પુખ્ત લોકોની સાથે જેલમાં રાખવામાં આવતા હતા. 1899થી સંઘ રાજ્યોએ પણ આવા કિશોર સુધારણા ગૃહોની સ્થાપના કરવા માંડી. 1960 સુધીમાં તો અમેરિકાની જુવેનાઇલ કોર્ટોએ 18 વર્ષથી નીચેના કિશોરો સંબંધિત લગભગ તમામ કેસો પોતાના તાબા હેઠળ કરી લીધા હતા. અને આવા કેસો પુખ્ત માણસો માટેની ફોજદારી ન્યાય પ્રણાલીમાં માત્ર જુવેનાઇલ કોર્ટોની રજા લઇને જ તબદીલ કરી શકાતા હતા. આપણે છેક 2000માં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બનાવ્યો અને ગુજરાત સરકારે અગીયાર વર્ષ પછી છેક હમણાં 2011 ફેબ્રુઆરીમાં આ કાયદાના નિયમો ઘડ્યા.

કાળજી અને રક્ષણની જરૂર ધરાવતા બાળકો માટે જરૂરી માળખું કે સવલતો ઉભી કરવા કે પૂરી પાડવા માટે જિલ્લા સત્તાવાળાઓ તેમજ પોલીસને જરૂરી હુકમો કરવાની મહત્વની સત્તા જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ પાસે છે. એટલે જ્યાં પણ આપણા ધ્યાનમાં આવા બાળકો આવે તો તૂરત જ તેમના અંગે તાત્કાલિક લેખિતમાં રજિસ્ટર્ડ પોસ્ટથી બોર્ડને જણાવવું, જો બોર્ડ એક સપ્તાહમાં જવાબ ના આપે તો સમાજ કલ્યાણના સચિવ તેમજ મંત્રીને જણાવવું અને જો તેઓ પણ વાજબી સમયમાં જવાબ ના આપે તો ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગવી. 

બાળકો માટે કાયદા અનુસાર તેમની આરોગ્યની, લાગણીમય અને મનોવૈજ્ઞાનિક, શૈક્ષણિક અને પ્રશિક્ષણની તથા આરામ, સર્જનાત્મકતા અને રમતગમતની જરૂરિયાતો, સંબંધો તેમજ તમામ પ્રકારના દુરુપયોગ, ઉપેક્ષા અને દુર્વયવહારથી રક્ષણની, સામાજિક સુગ્રથન, ફૉલો અપ અને પુન:સ્થાપનની જરૂરિયાતો માટે તેમની ઉંમર અને જેન્ડર પ્રમાણે તેમની સાથે કન્સલ્ટેશન કરીને વ્યક્તિગત કાળજી યોજના ઘડવાની સરકારની ફરજ છે.

કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકની જાણ થતા સંબંધિત પોલીસ અધિકારી નજીકના પોલીસ સ્ટેશનના નિયુક્ત બાળ કલ્યાણ અધિકારી (જુવેનાઇલ વેલ્ફેર ઓફિસર)ને જાણ કરશે. અધિકારી કાયદા સાથે સંઘર્ષમાં આવ્યા હોવાનું મનાતા તે બાળકના માતાપિતાને જાણ કરશે તેમજ જ્યાં જે સમયે તેને રજુ કરવાનો છે તે બોર્ડનું સરનામુ જણાવશે.અટકમાં લીધેલા આવા બાળકને નજીકના પોલીસ સ્ટેશનના બાળ કલ્યાણ અધિકારીના ચાર્જમાં મુકવામાં આવશે, જે ચોવીસ કલાકની અંદર બોર્ડ સમક્ષ તે બાળકને રજુ કરશે. (કલમ 10 (1)) જો આવા બાળ કલ્યાણ અધિકારીની નિમણૂંક થઈ ના હોય તો બાળકને અટકમાં લેનારો પોલીસ અધિકારી તેને બોર્ડ સમક્ષ રજુ કરશે. (કલમ 63(2))

આવા બાળકને અટકમાં લેનારો પોલીસ કોઇપણ સંજોગોમાં તેને લોકઅપમાં રાખી શકશે નહીં  અને જો નજીકના પોલીસ સ્ટેશનમાં બાળ કલ્યાણ અધિકારી હોય તો તે બાળકને તે અધિકારીના ચાર્જમાં તબદીલ કરવામાં વિલંબ કરી શકશે નહીં. દરેક પોલીસ સ્ટેશનમાં જિલ્લાના તમામ નિયુક્ત બાળ કલ્યાણ ધિકારીઓની યાદી અને ખાસ જુવેનાઇલ એકમના સભ્યોની યાદી દેખાય તેવી રીતે પ્રદર્શિત કરવી પડશે. જો કોઈ પોલીસ સ્ટેશનમાં આવી યાદી જોવા ના મળે તો જિલ્લાના બોર્ડને જણાવવું જોઇએ. 
ખૂન, બળાત્કાર જેવા ગંભીર ગુના કે પુખ્ત લોકો સાથે મળીને આચર્યા હોવાનું મનાતા આવા ગુનાઓ સિવાયના ગુનાઓમાં કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળક માટે એફઆઈઆર નોંધવી કે ચાર્જશીટ ફાઇલ કરવી જરૂરી નથી. તેના બદલે તેની માહિતી સામાન્ય રોજિંદી ડાયરીમાં નોંધવામાં આવશે અને પછી બાળકની સામાજિક પૃષ્ઠભૂમિ અને અટકમાં લેવા સંબંધિત પરિસ્થિતિ અને કહેવાતા ગુનાનો અહેવાલ બોર્ડને પહેલી સુનાવણી પહેલાં મોકલશે.

ગુજરાતમાં ગુમ થતા બાળકોના મુદ્દે ઉહાપોહ મચાવતા લોકોએ, પત્રકારોએ એક બાબત જાણી લેવાની જરૂર છે કે ઘર છોડીને ભાગી જતા બાળકો કે માનવ-વ્યાપારનો ભોગ બનતા બાળકોને બચાવવા માટે રાજ્યમાં જુવેનાઇલ જસ્ટિસના માળખાઓ અને સંસ્થાઓ મજબૂત બનાવવા અત્યંત આવશ્યક છે. માધ્યમોને મીસીંગ ચિલ્ડ્રનના મુદ્દાને સેન્સેશનલાઇઝ કરીને માત્ર ફોટા છાપવામાં જ રસ છે એ આક્ષેપમાં ઘણું તથ્ય છે.  
એક ચાન્સ આપો અમને, બહેતર નાગરિક બનવાનો..................................
31 જુલાઈ, 2012ના દિવ્ય ભાસ્કરમાં છપાયેલો આ અહેવાલ પોલીસની યાદી પરથી છપાયો હશે. અહેવાલ પ્રમાણે, અગાઉ પણ કિશોર બાળ આરોપી બાળ સંરક્ષણ ગૃહમાંથી નાસી છૂટ્યો હતો. અહીં પોલીસ પોતે કાયદાનો ભંગ કરી રહી છે. કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળકના જુના ગુનાઇત રેકોર્ડને પોલીસ છાપામાં છપાવી રહી છે. વળી, સ્ટોરી ધ્યાનથી વાંચીએ તો જણાય છે કે એક ગેંગ આ બાળકનો ઉપયોગ કરી રહી છે. પોલીસને આ ગેંગ પકડવામાં રસ નથી. ખરેખર તો આ ગેંગની વિગતો પોલીસે પત્રકારોને આપવી જોઇએ, એના બદલે બાળક પર ફોકસ કરે છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ એટલા માટે બન્યો છે કે બાળક ક્યારેક અપરાધ કરે તો એને એ રીતે સુધારવો કે એ રીઢો ગુનેગાર ના બને. આપણી સીસ્ટમ બાળકોને રીઢા ગુનેગાર બનાવવાના સતત પ્રયાસો કરી રહી છે.