કુલ પૃષ્ઠ અવલોકનો

ગુરુવાર, 29 નવેમ્બર, 2012

બાળ કથા ત્રણ - હનુમાનની વફાદારી


 
"દાદા, મને મેનેજરનો સ્પેલિંગ નથી આવડતો. કાયમ ભૂલ કરું છું. એમએએનઈજીઈઆર જ લખાય જાય છે," નરેન્દ્રએ દાદાનો ઝભ્ભો ખેંચતા કહ્યું. એનું મોંઢા પર અંગ્રેજી ક્યુ જેવો મોટો પ્રશ્નાર્થ વંચાતો હતો.
"વેરી સિમ્પલ, બોય. માનાગેર."
"એટલે?"
માનાગેર. એટલે એમએએનએજીઈઆર. ઉચ્ચાર બદલી નાંખવાનો યાદ રાખવા માટે. જેમ કે માથેમાટિક્સ."
"ગણિત?"
"યસ. લાઇકવાઇઝ માનાગેર. મેનેજર." દાદાએ નરેન્દ્રને ખોળામાં બેસાડીને કહ્યું, "તને ખબર છે? મેનેજર થવા માટે તમારી પાસે કમ્યુનિકેશનની ઉત્તમ સ્કિલ હોવી જોઇએ. હનુમાનજી પાસે આવી જ સ્કિલ હતી. મહર્ષિ વાલ્મીકિ કિષ્કિંધાકાંડના બીજા અને ત્રીજા અધ્યાયમાં રામ-હનુમાન મિલનનો પ્રસંગ આલેખે છે, ત્યારે લખે છે કે હનુમાનજી એક તાપસનું રૂપ ધારણ કરીને બંને ભાઈઓને મળે છે. તેમને પ્રસન્ન કરવા બજરંગબલી સુંદર સંવાદ કરે છે. પ્રથમ તો રામ-લખનના રૂપ અને ગુણની સુંદર પ્રશસ્તિ કરીને તેમના મન જીતી લે છે. પછી પોતાનો ખરો પરિચય આપે છે."
"તુલસીદાસે પણ રામ-હનુમાનના પ્રથમ મિલનને ભક્તિરસથી આલેખ્યું છે. પ્રથમ દર્શનથી રોમાંચિત થયેલા હનુમાનજી રામના ચરણોમાં ઢળી પડે છે. હનુમાનજીની વાણીથી પ્રસન્ન થયેલા રામચંદ્ર તેમના અનુજને કહે છે, "આ મહામનસ્વી વાનરરાજની ભાષા કેવી અદભૂત છે. અવશ્ય તેમણે વ્યાકરણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હશે. તેમણે ટૂંકમાં પણ સચોટ રીતે પોતાની વાત કહી છે. વળી, તેમનો સ્વર ન ખૂબ ઉંચો કે નીચો છે. તેમણે મધ્યમ ગતિ અને સ્વરથી મધુર ભાષામાં હ્રદયને આનંદ આપતી વાતો કહી છે. કંઠષ હ્રદય અને મૂર્ધા એમ ત્રણેય સ્થાનોથી પ્રસ્ફૂટ થતા તેમના સુંદર અને સ્પષ્ટ ઉચ્ચારોથી તો તેમના શત્રુનું હ્રદય પણ જીતાય જાય તો નવાઈ શી"
"એક મીનીટ, દાદા. હનુમાનજી જેવી વફાદારી આજના જમાના ચાલે ખરી? તમે જ કહો છો, હવે હાયર એન્ડ ફાયરનો સમય આવી ગયો છે. તમને બીજી જગ્યાએ સારી સેલરીનું પેકેજ મળે તો જુની કંપનીને લાત મારી દેવાની, ખરું? આપણા ગુજરાતી છાપામાં જ એક પત્રકાર નવા અખબારમાં ચીફ એડિટરનો ઓર્ડર લઈ લીધો અને પછી જુના માલિકના પૈસે સ્વિટ્ઝર્લેન્ડ ફરી આવ્યા પછી જુના માલિકને રામ, રામ કહી દીધા. જો એ હનુમાનની જેમ એક જ અખબારમાં પડ્યા રહ્યા હોત તો આજે ગુજરાતના નંબર વન પત્રકાર બન્યા ના હોત."

મંગળવાર, 27 નવેમ્બર, 2012

બાળ મજુર અને ગાંધીનગરના કાનખજુર


ગુજરાતમાં 1999થી 2010ના દસકા દરમિયાન 4391 બાળ મજુરોને "મુક્ત" કરવામાં આવ્યા. મોદી સરકારની કાર્યક્ષમતાનો આ નમૂનો છે. "મુક્ત કર્યા" એ શબ્દ વિષે થોડું સ્પષ્ટીકરણ. શ્રમ વિભાગ બાળ મજુરના કહેવાતા પુન:સ્થાપન માટે અગરબત્તી બનાવવાની કિટ આપે છે. બાળ મજુર (પ્રતિબંધ અને નિયમન) ધારો 1989 હેઠળ અગરબત્તી બનાવવાની પ્રક્રિયા પ્રતિબંધિત છે. "મુક્ત કરાયેલા" બાળકો તેમના માતાપિતા, માલિકો અને જુવેનાઇલ હોમવાળા વચ્ચે ભીંસાય છે. જુવેનાઇલ હોમમાં કહેવાતી ચાઇલ્ડ હેલ્પલાઇન બાળકોને "ડમ્પ" કરવા સિવાય ખાસ કંઈ કરતી નથી. તમને એ જાણવાની ઇચ્છા છે કે વર્ષ 2002માં શ્રમ વિભાગે કેટલા બાળકોને "મુક્ત કર્યા" હતા? માત્ર નવ. એ વર્ષે સમગ્ર સરકારી તંત્ર માણસોના કંકાલો ગણવાની કામગીરીમાંથી નવરું જ નહોતું પડ્યું.  

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

બાળકથા - બે. સુપ્રીમ શાલીગ્રામ


"દાદાજી મને વાર્તા કહોને," નરેન્દ્રએ દાદાજીના બેડરૂમમાં જઇને એમની ચાદર ખેંચતા કહ્યું. "કેમ ઉંઘ નથી આવતી, રાત્રીના અગીયાર વાગ્યા, બેટા."
"મમ્મી-પપ્પા, એમના રૂમમાં લેઇટ નાઇટ ફિલ્મ જુએ છે. મારી સાથે કોઈ વાત જ કરતું નથી."
"સારુ સાંભળ," દાદાજીએ નરેન્દ્રને ગોદમાં લીધો.
"કાલવાળી વાર્તામાં પછી શું થયું? પેલી વૃંદાનું, દાદાજી."
"ત્યારબાદ જલંધરના રૂપે આવેલા શ્રીહરિ વિષ્ણુએ તેમનુ ચતુરભૂજ સ્વરૂપ પ્રગટ કરી વૃંદાને  તેના શીલભંગનો હેતુ જણાવ્યો. નારાયણને સાક્ષાત નજર સામે નિહાળી વૃંદા ક્ષમાયાચનાસહ શ્રીહરિ વિષ્ણુના પગમાં પડી રડવા લાગી."
"પુઅર ગર્લ. સો ક્રુઅલ હર ડેસ્ટીની વોઝ," નરેન્દ્ર બોલ્યા વિના રહ્યો નહીં.
 "અરે, એવું નથી, સાંભળ. પ્રાયશ્ચિતના પવિત્ર જળમાં તરબોળ વૃંદાને આશ્વાસન આપતાં શ્રીહરિ વિષ્ણુએ કહ્યું, " હે સતી, મેં સૃષ્ટિના કલ્યાણ માટે તારું શીલભંગ કરી તને તારા પતિથી વિમુખ કરી. હવે હું તને તરછોડીશ નહીં. તારા શાપથી હું જરૂર કાળો પથ્થર (શાલીગ્રામ) બનીશ. તું પણ આશીર્વાદથી તારું આ કલંકિત શરીર છોડી પવિત્ર તુલસી (વનસ્પતિ) બનીશ. હું તને પરણીને તને પત્નીનું સ્થાન આપીશ. તારા પર્ણદલ વગર મારી પુજા અને ભોજન હંમેશાં અધૂરાં રહેશે. તને સદૈવ મારા સાનિંધ્યમાં રાખીશ."
"વેલ, દાદા. પણ આ મામલો સુપ્રીમ કોર્ટને સોંપી દેવા જેવો હતો. એક બળાત્કારીને બળાત્કારનો ભોગ બનનાર સ્ત્રી સાથે લગ્ન કરાવનાર ખાપ પંચાયત પર વિદ્વાન ન્યાયમૂર્તિઓએ એક "સ્ટ્રિક્ચર" પસાર કર્યું હતું, ખબર છે?"

બાળકથા એક - હું ક્યાં એડલ્ટ છું.


"નરેન્દ્ર, હવે સૂવાનો ટાઇમ થઈ ગયો," સુનંદાએ રસોડામાં ગેસનો વાલ્વ બંધ કરતા બૂમ પાડી. "હજુ દાદાએ મને વાર્તા કીધી નથી, મમ્મી," નરેન્દ્રએ દાદાના રૂમ તરફ લપકતા કહ્યું. દાદા હજુ એમના ટેબલ પરથી ઉભા થયા નહોતા. એ કશુંક લખી રહ્યા હતા. નરેન્દ્રને દાદાની આ મુદ્રા બહુ ગમતી. એ દાદાની સામે સ્ટુલ ખેંચીને બેસી ગયો. થોડીવાર પછી દાદાએ પુસ્તકમાંથી મોઢું ઉંચુ કર્યું. "ઉંઘ નથી આવતી." "ઉંહુ," ખભા ઉલાળતા નરેન્દ્ર બોલ્યો. 

"ચાલ તને એક પુરાણકથા કહું. એકવાર સ્વર્ગપતિ ઇન્દ્રને અભિમાન આવી ગયું કે સમગ્ર સૃષ્ટિમાં મારા જેવો કોઈ મહાશક્તિશાળી નથી. ઇન્દ્ર અભિમાનના અતિરેકથી છકી ગયો ત્યારે દેવો શિવજીના શરણે ગયા અને ભ્રમિત ઇન્દ્રને પૂર્વાવસ્થામાં લાવવા પ્રર્થના કરી. શિવજીએ ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે ઇન્દ્રથી પણ સવાયો પુરુષ ઉત્પન્ન કર્યો. આ પુરુષને જળમાંથી ઉત્પન્ન કર્યો એટલે જલંધર નામ પાડ્યું. ઇન્દ્રનું અભિમાન તો જલંધરે પળભરમાં ઉતારી નાંખ્યું  પણ સવળું કરવા જતા અવળું બની ગયું. જલાંધર ઇન્દ્રવિજયી થતા અધર્મી  અને ઇન્દ્રથી પણ વધુ અભુમાની થઈ ગયો. તેણે ઇન્દ્ર સહિત દેવોને પરાસ્ત કરી સ્વર્ગ આંચકી લીધું. તેની શક્તિ સામે દેવતાઓ પણ ટક્કર લઈ શક્યા નહીં. જલંધરની આ મહાશક્તિનું કારણ હતી તેની પત્ની વૃંદા. વૃંદા એક પતિવ્રતા સ્ત્રી હતી. તેની સતીત્વની શક્તિને કારણથી જલંધર અજય અને અમર બની ગયો હતો. સતી સ્ત્રીના શીલ શક્તિના કવચને કારણે અધર્મી જલંધરનો નાશ થતો નહોતો. પરમ ધર્મચારિણી વૃંદાના ધર્મના પડદાની પાછળ રહી જલંધર અધર્મી અને અત્યાચારની સીમા વટાવી સમગ્ર સૃષ્ટિને રંજાડવા લાગ્યો. દેવતાઓ થાકીને અંતે શ્રી હરિ વિષ્ણુની શરણમાં ગયા અને પ્રાર્થના કરી, "હે નારાયણ, જલંધર તેની પતિવ્રતા પત્નીના શીલશક્તિથી રક્ષાયેલો છે. પરમ પતિવ્રતા વૃંદાનો શીલભંગ થાય તો જ જલંધર શક્ત બને અને તો જ તેનો નાશ થાય. હે હરિ, આપ સમર્થ છો, કંઇક ઉપાય કરી સૃષ્ટિનું રક્ષણ કરો."

દેવગણની પ્રાર્થના સાંભળી શ્રીહરિ વિષ્ણુએ ખૂબ જ મંથન કર્યું કે જો વૃંદાનું સતીત્વ નહીં તૂટે તો જલંધર કેટલીય સતી સ્ત્રીઓના શીલ તોડશે. કદાચ સૃષ્ટિમાં કોઈ સતી નહીં રહે. ખૂબ જ મનોમંથન કર્યા પછી જ્યારે જલંધર રણભૂમિમાં દેવો સાથે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે જ શ્રીહરિ વિષ્ણુ જલંધરનું રૂપ લઈ મહાસતી વૃંદા પાસે પહોંચી ગયા. તેમણે વૃંદાને ભોળવીને તેનો શીલભંગ કર્યો કે .......તરત જ રણભૂમિમાં જલંધર હણાયો. જલંધર હણાતા વૃંદા બધું જ પારખી ગઈ. પતિના રૂપમાં કોઈ માયાવીએ તેનો શીલભંગ કર્યો છે તેની જાણ થતાં જ તેણીનો પુણ્યપ્રકોપ ભભૂકી ઉઠ્યો અને તેણે જલંધરના રૂપમાં રહેલા વિષ્ણુને શાપ આપ્યો, " હે દુષ્ટ. કપટથી મારું શીલભંગ કરનાર પથ્થદિલ કપટી .......તું એક કાળમીંઢ પથ્થર થઈ જઈશ."

"દાદા, એક મીનીટ. આ તમે જે વાર્તા કહી એની ફિલ્મ સરસ બને પણ હું ના જોઈ શકું," નરેન્દ્રએ આંખો પટપટાવતા કહ્યું.
 "કેમ?,"
"હું ક્યાં એડલ્ટ છું."