કુલ પૃષ્ઠ અવલોકનો

બુધવાર, 27 મે, 2015

ત્રિશુલ-દિક્ષા નહી, કલમ-દિક્ષા

ઓમપ્રકાશ વાલ્મીકિએ એમની ક્લાસિક આત્મકથાત્મક નવલકથા ‘જૂઠન’માં એમના શાળા જીવનના અનુભવની હ્રદયવિદારક વાત કરી હતી. નાનકડા ઓમપ્રકાશને પહેલા દિવસે જ સ્કુલમાં એવો અનુભવ થયો કે એની છાતીમાં જડાઈ ગયો. માસ્ટરે એને સ્કુલના કમ્પાઉન્ડના વૃક્ષની ડાળખીઓ તોડીને ઝાડુ બનાવવાનું કહ્યું. “अबे ओये चूहरे, उस पेड की टहनियां तोडकर झाडु बणा ले और पूरा मैदान साफ कर दे એ વખતે તો ઓમપ્રકાશના બાપાએ સ્કુલમાં જઇને માસ્ટરને ખખડાવ્યો હતો અને એને કહેલું કે सिर्फ ये नहीं और भी चूहरे इस स्कुल में आएंगे और पढेंगे. तुम देखते रहेना. આજે સિત્તેર વર્ષ પછી પરિસ્થિતિ બદલાઈ નથી. ઉલ્ટાની અસમાનતા વધી છે. હવે ઝાડુ મારનાર કોઈ સ્કુલમાં જઇને એના સંચાલકને ખખડાવી શકે તેવી સ્થિતિમાં છે ખરો?

દલિત હક્ક રક્ષક મંચે ગુજરાત હાઇકોર્ટમાં આરટીઈ એક્ટના 25 ટકા ક્વોટાના અમલ માટે જાહેર હિતની અરજી કરી છે. માત્ર અમદાવાદ શહેરમાં 842 શાળાઓ ખાનગી છે. સરકારે એમાંથી માત્ર 382 શાળાઓને ક્વોટાના અમલ માટે અલગ તારવી છે. જે રીતે પોલિસ સ્ટેશનમાં માર નહીં ખાવાના આરોપીઓ પોલિસને પૈસા આપે છે એમ અહીં ક્વોટાની યાદીમાં દાખલ નહીં થવા માટે ખાનગી શાળાઓ સરકારને પૈસા ખવડાવે છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં સીબીએસઈ અભ્યાસક્રમની અંગ્રેજી માધ્યમની રચના સ્કુલ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ આ સ્કુલમાં આરટીઈ એક્ટ અંતર્ગત 25 ટકા ક્વોટા હેઠળ વંચિત વર્ગોના એકવીસ વિદ્યાર્થીઓને પ્રવેશ માટેનો લેખિત આદેશ આપ્યો છે. છેક એપ્રિલમાં આ શાળાનું સત્ર શરૂ થઈ ગયું છે અને હાલ તો વેકેશન છે. ગરીબ વિદ્યાર્થીઓને તત્કાલિક પ્રવેશ આપવાના બદલે શાળાના ટ્રસ્ટીઓ વાલીઓના ઘરે જઈને મકાનોના ફોટા પાડી રહ્યાં છે, એવું પૂરવાર કરવા કે તેઓ બીપીએલ કેટેગરીમાં આવતા નથી. ચમનપુરામાં એક વાલીના ઘરે ગયા ફોટા પાડવા તો ટ્રસ્ટીઓ હેબતાઈ જ ગયા, કહે છે, ”અરે, આ તો મચ્છી કાપે છે. છી! છી! છી!”

દલિત હક્ક રક્ષક મંચે આરટીઈ એક્ટ-2009ના રીટ્રોસ્પેક્ટિવ અમલ માટે પીઆઈએલ કરી છે. મુદ્દો એવો છે કે કેન્દ્ર સરકારે 2009માં કાયદો ઘડ્યો, ગુજરાત સરકારે નિરાંતે ત્રણ વર્ષ પછી છેક 2012માં નિયમો ઘડ્યા અને હજુ એનો અમલ કરતા ચૂંક આવે છે એટલે કહે છે કે આ અમારો પાયલોટ પ્રોજેક્ટ છે. અમે કહીએ છીએ, 2009 પછી 2010માં જે બાળકોએ પહેલા ધોરણ પ્રવેશ લીધો હતો એ બધા અત્યારે ચોથા-પાંચમા ધોરણમાં છે. એમાં જે કોઈ બાળકો ગરીબ હોય તેમના આધાર-પુરાવા મેળવીને ફી માફીનો લાભ આપો. રૂ. 100 કરોડ જેવી મામુલી રકમ જોઇશે. ગુજરાતના ગરીબ બાળકોના શિક્ષણ માટે એ કંઈ ઝાઝી રકમ નહીં હોય.

ખરેખર તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નિશાળો એરકન્ડિશન્ડ અને અંગ્રેજી માધ્યમની હોવી જોઇએ. બાળકને ઘરે જવાનું મન જ ના થાય. એને સરસ ક્વોલિટી એજ્યુકેશન મળે. દલિત હક્ક રક્ષક મંચે અમદાવાદ કોર્પોરેશનની સ્કુલોમાં અંગ્રેજી માધ્યમ શરૂ કરવા ગયા વર્ષે મેયર અને શાસનાધિકારીને આવેદનપત્રો આપ્યા હતા.

ગઈ સાલ ગુજરતમાં આરટીઈ એક્ટ હેઠળ 25 ટકા ક્વોટાના અમલ માટે ગુજરાત સરકારે માત્ર રૂ. 11 કરોડ ફાળવ્યા હતા. ગુજરાતમાં 2 લાખ બાળકોને આરટીઈ હેઠળ ખાનગી શાળાઓમાં મફત શિક્ષણ આપવા માટે માત્ર રૂ. 200 કરોડ જોઇએ. સર્વ શિક્ષા અભિયાન જેવી તદ્દન ફાલતુ યોજના પાછળ ગયા વર્ષે રૂ. 1300 કરોડ ગુજરાત સરકારે વેડફ્યા હતા, સર્વ શિક્ષા અભિયાન એટલે ભૂતિયા બાળકો, એકથી વધુ કેન્દ્રો સંભાળતા બાળમિત્રો. ભાજપના કાર્યકરોને પોષવા માટે સર્વ શિક્ષા અભિયાન ચાલે છે. એનાથી ગરીબ બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળતુ નથી.

મને કોકે પૂછ્યું કે 25 ટકા ક્વોટામાં પ્રવેશ માટે એસસી/એસટી માટે રૂ. બે લાખની અને ઓબીસી માટે રૂ. લાખની મર્યાદા કેમ? મેં કહ્યું લાખ રૂપિયા કમાવવામાં જેટલી મજુરી ઓબીસીને કરવી પડે એટલા જ રૂપિયા કમાવા માટે એસસી/એસટીને ડબલ મજૂરી કરવી પડે એવી ગણતરી સરકારે કરી હશે!

હું દલિતોના ગેઝેટેડ અધિકારીઓની સંસ્થા ”લક્ષ”માં ગયો. એમને કહ્યું, તમે બધા ચાલીઓમાંથી જ આવો છો. હવે તમારી પાસે ઇકોનોમિક પાવર છે, પરંતુ તમે માત્ર સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં જ રસ લો છો. દલિત યુવાનોને મામલતદાર, અધિકારી બનાવવા માંગો છો. આ બાબત ખોટી નથી, પરંતુ, આ તો દૂધ ઉકાળીને મલાઈ તારવવાની વાત છે. હું ગુણવત્તાયુક્ત દૂધ માટે એટલે કે, પહેલા ધોરણથી આરટીઈ માટે લડું છું.  તમારૂ લક્ષ દલિત સમાજના ગરીબો માટે હોવું જોઇએ.

2001ના સેન્શન પ્રમાણે ગુજરાતમાં અનુસુચિત જાતિઓની વસ્તી 40 લાખ હતી. એટલે કે, 8 લાખ પરિવાર. તેમાં 12 હજાર પરિવારો પાસે મોટર કાર હતી, સવા લાખ પરિવારો પાસે દ્વિચક્રી વાહનો હતા, બાકીના અંદાજે સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ હતી. દસ વર્ષમાં ગુજરાત બહુ જ વાઈબ્રન્ટ બન્યું. બહુ જ વાઇબ્રન્ટ બન્યું. ગુજરાત ભારતનું કેલિફોર્નિયા બની ગયું. હવે 2011માં વીસ હજાર પરિવારો પાસે મોટરકાર, 2 લાખ પરિવારો પાસે સ્કૂટર, બાઈક હશે. વસ્તી પણ વધીને પીસ્તાલીસ લાખ થઈ. નવ લાખ  પરિવારો થયા. હજુ સાડા છ લાખ પરિવારો પાસે સાઈકલ છે. આ પરિવારોને જરૂર છે આરટીઈ એક્ટની. પરંતુ, અફસોસ. દલિત સમાજના સાધન સપંન્ન લોકો, જેઓ પોતાના બાળકોને ઉંચી ફી ભરીને હાઈ ફાઈ શાળાઓમાં ભણાવી શકે છે તેમને ગરીબ બાળકો માટે આરટીઈનો અમલ કરાવવામાં લગીરે રસ નથી.

ગુજરાત સરકાર આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળકો માટેના 25 ટકા ક્વોટા પાછળ નાણા ફાલવવા માંગતી નથી ગરીબોના બાળકોના શિક્ષણ પાછળ પૈસા વપરાશે, તો રીવરફ્રન્ટ પર ગરબા ગાવાના, પતંગ ઉડાવવાના, રણોત્સવ યોજવાના પૈસા ક્યાંથી લાવીશું?

ગુજરાતના ગરીબ બાળકોના પ્રાથિમિક શિક્ષણ માટે પાછલા દસ વર્ષમાં કશું જ થયુ નથી. અને હવે દેશમાં પણ કશું થવાનું નથી. દેશના વડાપ્રધાન દુનિયાના દેશોમા જઇને તંબૂરો વગાડતા રહેશે.

દેશમાં નિરક્ષરતાનું આભ ફાટ્યું છે, આરટીઈ એક્ટ તો માત્ર થીંગડું છે.

વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો” એવી કહેવત હતી. હવે એવું કહેવાની જરૂર છે કે, “કોંગ્રેસ, મરો, ભાજપ મરો, પણ અમારા બાળકના શિક્ષણનું કાંક કરો.”

ભ્રષ્ટાચાર કરતા પણ વધારે મહત્વનો મુદ્દો શિક્ષણનો છે, અદાણી, અંબાણી, ટાટા, બિરલાને કહીએ, તમારે જેટલો ભ્રષ્ટાચાર કરવો હોય તેટલો કરો, પણ અમારા બાળકોના શિક્ષણનું કાંક કરો.

જયપ્રકાશ નારાયણના એજન્ડામાં પણ શિક્ષણનો મુદ્દો નહોતો. આજે કોઈ રાજકીય પક્ષના એજન્ડામાં શિક્ષણનો મુદ્દો અગ્રસ્થાને નથી. પરંતુ આપણે કે. જી.થી પી. જી. સુધી મફત શિક્ષણ માટે શેરીઓમાં યુદ્ધ કરવું પડશે.

ત્રિશુલ-દિક્ષાની નહી, કલમ-દિક્ષાની જરૂર છે.

(અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં આવેલા બીહેવીયરલ સાયન્સ સેન્ટરમાં 24 મે, 2015એ આરટીઈ એક્ટ પર યોજાએલા સેમિનારમાં રજુ કરેલા કેટલાક મુદ્દાઓ.



ગુરુવાર, 23 મે, 2013

સર્વ ભિક્ષા અભિયાન




ઇન્ડીયન એક્સપ્રેસનો અહેવાલ, તા. 23 મે 2013

સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) ગુજરાતનું વર્ષ 2012-13નું બજેટ રૂ. 39 અબજ (રીપીટ 39 અબજ) છે. તેમાં કેન્દ્રનો ફાળો 65 ટકા છે અને દર વર્ષે અબજો રૂપિયાનો વધારો થતો જાય છે. દલિત-આદિવાસી-વંચિત સમુદાયોના ડ્રોપ આઉટ બાળકોને ફરી શાળાના શિક્ષણમાં જોતરવાની આ એક અત્યંત ઉમદા યોજના છે. કોઈ બાળક આઠ વર્ષની ઉંમરે ત્રીજા ધોરણમાંથી ડ્રોપ આઉટ થયું હોય અને બે વર્ષ શાળાની બહાર રહ્યું હોય તો દસ વર્ષે તેને સીધું પાંચમા ધોરણમાં દાખલ કરી શકાય અને તે માટે તેને એસએસએ હેઠળ ખાસ તાલીમ આપવામાં આવે છે. બાલમિત્ર ડ્રોપ આઉટ બાળકોને એકઠા કરીને ત્રણ મહિનાના કે એક વર્ષના ખાસ તાલીમ કેન્દ્રમાં ભણાવે છે અને પછી તેમને તેમની ઉંમર અને આવડત પ્રમાણે જે તે વર્ગમાં દાખલ કરવામાં આવે છે. 

આવી યોજના ગુજરાતમાં સરસ રીતે ચાલે તો ભગવા ભુવાઓનો ધરમ લાજે. એસએસએની જ વેબસાઇટ પર આપેલ સત્તાવાર આંકડાઓનો અભ્યાસ કરતા જાણવા મકેન્દ્રો ળ્યું કે અમદાવાદના ચાલીસ વોર્ડોમાં ચાલતા 547 ખાસ તાલીમ કેન્દ્રો પૈકીના 206 કેન્દ્રો કાગળ પર જ ચાલે છે. આમાંના એકપણ કેન્દ્રમાં કોઈ વિદ્યાર્થી જ નથી. અમદાવાદમાં બાલમિત્રોની ફોજમાં મોટાભાગની બહેનો ભારતીય જનતા પક્ષની ઓશીંગણ છે. કેટલીક બહેનો સાથે વાત કરી. "બહેન તમારા કેન્દ્રમાં કેટલા બાળકો છે?" જવાબ મળ્યો, "વીસ-પચીસ હોય." "હોય નહીં, બહેન કેટલા છે તે કહો." શાકભાજીની લારીવાળો એના ટોપલામાં કેટલા રીંગણા હશે એના વિષે કોન્ફિડન્સથી બોલે છે. આ બહેનોને એમના પોતાના કેન્દ્રમાં કેટલા બાળકો છે તેની ખબર હોતી નથી. ક્યાંક દેરાણી કેન્દ્ર ચલાવે છે, પરંતુ તેનો મોબાઇલ તેની જેઠાણી પાસે છે. અને દેરાણી ક્યાં છે એના વિષે પૂછ્યું તો કહે છે, મીટિંગમાં છે. 

બાલમિત્રની નિમણૂંક માટે કોઈ નિશ્ચિત, ગુણવત્તા આધારિત પ્રક્રિયા નથી. નકરી લાગવગથી, ઓળખાણથી એડહોક ધોરણે બાલમિત્રની નિમણૂંક થાય છે. વાડજની શાળા નંબર-3,4માં અમે ગયા. ક્લસ્ટર રીસોર્સ સેન્ટરમાં બેઠેલી કીર્તિ બહેનના તેવર જોવા જેવા હતા. તે કહેતી હતી, "જલ્દી બોલો, મારી પાસે ટાઇમ નથી. આવા સંસ્થાવાળા તો કેટલાય આવે." ફલાણી બાલમિત્ર એકથી વધારે કેન્દ્રો કેમ ચલાવે છે, એવું પૂછતા તેણે નાક ચડાવીને કહ્યું, તમારે જાણીને શું કામ છે. અમે તમને આવી રીતે માહિતી ના આપીએ. સરકારનો પરિપત્ર લઇને આવો. કેવા વાહિયાત માણસો આ રાજ્યમાં દલિતો-આદિવાસીઓના રહેનુમા બનીને બેઠા છે. દલિતો-આદિવાસીઓના બહેરા-બોબડા રાજકીય પ્રતિનિધિઓને ખરેખર હવે વીજળીના કરંટ આપવાની જરૂર છે. 

દલિત હક રક્ષક મંચે પહેલી મે, 2013એ ગાંધીનગરની સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરની કચેરીને પત્ર પાઠવ્યો અને ઉપરોક્ત આંકડાઓ-તથ્યોથી વાકેફ કર્યા. અમદાવાદ સ્કુલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસારે "અમદાવાદી સરકારી શાળાઓમાં 27,000 ભૂતિયા વિદ્યાર્થીઓ છે," એવું નિવેદન કરેલું એનો રીપોર્ટ પણ જાહેર કરવા મંચે માગણી કરી. પરિણામે, દસમી મેએ કચેરીએ અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીને પત્ર પાઠવીને સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરી. (જુઓ ઇન્ડીયન એક્સપ્રેસમાં છપાયેલો રીપોર્ટ). આજે મંચે આરટીઆઈ કરીને ગાંધીનગરની કચેરી પાસે શાસનાધિકારીનો અહેવાલ આપવા માગણી કરી છે. 

આવી અબજો રૂપિયાની યોજનાના નાણા યોગ્ય રીતે વપરાય છે કે નહીં તે કોણ જોશે? કહેવાતા મનુવાદીઓને ગાળો બોલીને બેસી જઇશું? આપણા હાથમાં સત્તા નહીં આવે ત્યાં સુધી કશું થઈ શકે તેમ નથી, એવું કહીને આપણી નિષ્ક્રિયતાને શબ્દોના વાઘા પહેરાવતા રહીશું?

શુક્રવાર, 29 માર્ચ, 2013

એક હજાર વાલ્મીકિઓ પણ ઓછા પડે

 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત પત્નીઓને શોધતા પ્રકાશ અને પપ્પુ
રાજસ્થાનથી ગુજરાતમાં મજુરીએ આવતા બાળ મજુરોની કલ્પાંત કથાઓ એવી હ્રદયદ્રાવક છે કે એને લખવા માટે એક હજાર વાલ્મીકિઓ પણ ઓછા પડે. દર વર્ષે ગુજરાતના હરિયાળા બીટી કોટનના ખેતરોમાં કામ કરવા હજારો બાળ મજુરોના ધાડે ધાડા ગુજરાતમાં ઉતરી પડે છે. એમાં મોટા ભાગના આદિવાસીઓ હોય છે. હવે માત્ર ત્રણ જ મહિના પછી આગામી જુલાઈમાં ગુજરાતની બીટી કોટન સીઝન શરૂ થવાની છે, ત્યારે ગયા વર્ષની એક ભયાનક ઘટનાની નોંધ ગુજરાતના બાળ અધિકાર ક્ષેત્રે કામ કરતા લોકોએ જરૂર લેવી જોઇએ. 

2012ની વીસમી ઓગસ્ટે પાટણ જિલ્લાના ચારુપ ગામે એક નાળામાં વહેલી પરોઢે રાજસ્થાન તરફથી ધસમસતી આવતી એક જીપ રસ્તાની બાજુએ મુકેલી લોખંડની રેલિંગ તોડીને નાળામાં ખાબકી હતી. તેમાં ઉદેપુર જિલ્લાના ઝાલોદ તાલુકાના ગામ નેતાજી કા બારાના આદિવાસીઓ બેઠા હતા. તેમને તેમના જ ગામનો એજન્ટ બનાસકાંઠાના કાંકરેજ જવા લઇને નીકળ્યો હતો. નાળામાં ખાબકેલી જીપે સોહન માંગીલાલ ચૌહાણ નામના આદિવાસી બાળ મજુરનો ભોગ લીધો. ઘટના સ્થળે પહોંચેલી પોલિસે બાળકની લાશનું પંચનામુ પણ કર્યા વિના તેના સગાવહાલાઓને ચુપચાપ પાછા રાજસ્થાન રવાના કરી દીધા. બીજા દિવસે ગુજરાતી અખબારોએ તો ઘટનાની નોંધ ના લીધી, પરંતુ ટાઇમ્સ ઑફ ઇન્ડીયામાં એક નાનો અહેવાલ પ્રગટ થયો, જેમાં બાળકનું નામ માંગીલાલ ચૌહાણ હોવાનું જણાવવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે એવું પણ અહેવાલમાં જણાવાયું હતું.   

મુંબઇથી ક્રાઇના સાથી પ્રવિણભાઈનો ફોન આવ્યો અને તેમણે ઘટના વિષે મને જણાવતા હું એકવીસમી તારીખે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો. ટ્રોમા સેન્ટરમાં પૂછપરછ કરતા જાણવા મળ્યું કે બે ઇજાગ્રસ્ત આદિવાસી સ્ત્રીઓ આવી હતી, પરંતુ તેમને એ જ દિવસે એટલે કે વીસમી ઓગસ્ટે જ ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી. દરમિયાન આદિવાસી સર્વાંગી વિકાસ સંઘના સાથી દિપક ડાભી પાટણ પહોંચી ગયા હતા. ત્યાં તેમને પ્રકાશ(ઉંમર 19) અને પપ્પુ (ઉંમર 21) નામના બે આદિવાસી યુવાનો મળ્યા જેઓ અમદાવાદ ગયેલી તેમની પત્નીઓ અંગે ચિંતિત હતા અને તેમની શોધમાં અમદાવાદ આવ્યા નીકળ્યા હતા. દિપકે તેમને મારો મોબાઇન નંબર આપેલો એટલે તેઓ સિવિલ પહોંચ્યા ત્યારે તેમને શોધવામાં ઝાઝી તકલીફ પડી નહીં. બંને યુવાનોએ જે વાત કરી એ પ્રમાણે તો તેમનો એજન્ટ બંને સ્ત્રીઓને લઇને પાટણથી સિવિલ સારવાર કરાવવાના બહાને નીકળ્યો હતો અને તેમને અમદાવાદ જતી બસમાં બેસાડીને રસ્તામાં ક્યાંક ઉતરી ગયો હતો. બંને યુવાનોએ એમના ગામે ફોન કરીને પૂછ્યું તો જાણવા મળ્યું કે ચોવીસ કલાક પછી પણ તેઓ રાજસ્થાન પહોંચ્યા નહોતા. પ્રકાશ અને પપ્પુની માનસિક હાલતની તો કલ્પના જ કરવી રહી. પ્રકાશની પત્ની વક્તુ ઇજાને કારણે ચાલી શકતી નહોતી અને પપ્પુની પત્ની દેવલીનું નાક ભાંગી ગયું હતું અને માથુ ફાટી જતાં બાર ટાંકા લેવામાં આવ્યા હતા. ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કલેક્ટર જે જી હિંગરાજીયા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લેબર કમિશનર જી એલ પટેલને આ મેટરમાં તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. આટલી સખત ઇજા પામનારા લોકોને યોગ્ય દવાદારૂની તજવીજ કરવામાં પણ નિષ્ફળ જનારા તંત્રએ કેવી તપાસ કરી હશે તેનું અનુમાન લગાવી શકાય છે. 

બંને યુવાનો પાસે ઉદેપુર જવાનું ભાડુ પણ નહોતું. તેમને જરૂરી નાણાકીય સહાય કરીને બસમાં બેસાડવા સાથી રાજેન્દ્ર વાઢેલને મેં જણાવ્યું. તેઓ તેમના ગામ નેતાજી કા બારા પહોંચ્યા પછી બે દિવસ મોબાઇલ ફોન દ્વારા સંપર્કમાં રહ્યા હતા, પરંતુ તંત્રએ વાયદો કર્યો હતો તે પ્રમાણેનું કોઈ જાતનું પુનસ્થાપન થયું હોવાના વાવડ નહોતા. જે સરકાર દિલ્હીના રાષ્ટ્રીય બાળ આયોગ આગળ પણ બીટી કોટનના બાળ મજુરોના પ્રશ્ને ઉલાડા કરે છે એની શાન કોણ ઠેકાણે લાવશે? ઇન્ટર સ્ટેટ માઇગ્રેશન એક્ટની કલમો કાગળ પર જ રહી ગઈ છે. આના કરતા તો રાજસ્થાન અને ગુજરાત બે અલગ દેશો જ હોત તો બાળ મજુરોના વ્યાપારનો મુદ્દો કમ સે કમ સંયુક્ત રાષ્ટ્રોમાં ચગાવી શકાયો હોત.

ગુરુવાર, 29 નવેમ્બર, 2012

બાળ કથા ત્રણ - હનુમાનની વફાદારી


 
"દાદા, મને મેનેજરનો સ્પેલિંગ નથી આવડતો. કાયમ ભૂલ કરું છું. એમએએનઈજીઈઆર જ લખાય જાય છે," નરેન્દ્રએ દાદાનો ઝભ્ભો ખેંચતા કહ્યું. એનું મોંઢા પર અંગ્રેજી ક્યુ જેવો મોટો પ્રશ્નાર્થ વંચાતો હતો.
"વેરી સિમ્પલ, બોય. માનાગેર."
"એટલે?"
માનાગેર. એટલે એમએએનએજીઈઆર. ઉચ્ચાર બદલી નાંખવાનો યાદ રાખવા માટે. જેમ કે માથેમાટિક્સ."
"ગણિત?"
"યસ. લાઇકવાઇઝ માનાગેર. મેનેજર." દાદાએ નરેન્દ્રને ખોળામાં બેસાડીને કહ્યું, "તને ખબર છે? મેનેજર થવા માટે તમારી પાસે કમ્યુનિકેશનની ઉત્તમ સ્કિલ હોવી જોઇએ. હનુમાનજી પાસે આવી જ સ્કિલ હતી. મહર્ષિ વાલ્મીકિ કિષ્કિંધાકાંડના બીજા અને ત્રીજા અધ્યાયમાં રામ-હનુમાન મિલનનો પ્રસંગ આલેખે છે, ત્યારે લખે છે કે હનુમાનજી એક તાપસનું રૂપ ધારણ કરીને બંને ભાઈઓને મળે છે. તેમને પ્રસન્ન કરવા બજરંગબલી સુંદર સંવાદ કરે છે. પ્રથમ તો રામ-લખનના રૂપ અને ગુણની સુંદર પ્રશસ્તિ કરીને તેમના મન જીતી લે છે. પછી પોતાનો ખરો પરિચય આપે છે."
"તુલસીદાસે પણ રામ-હનુમાનના પ્રથમ મિલનને ભક્તિરસથી આલેખ્યું છે. પ્રથમ દર્શનથી રોમાંચિત થયેલા હનુમાનજી રામના ચરણોમાં ઢળી પડે છે. હનુમાનજીની વાણીથી પ્રસન્ન થયેલા રામચંદ્ર તેમના અનુજને કહે છે, "આ મહામનસ્વી વાનરરાજની ભાષા કેવી અદભૂત છે. અવશ્ય તેમણે વ્યાકરણશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હશે. તેમણે ટૂંકમાં પણ સચોટ રીતે પોતાની વાત કહી છે. વળી, તેમનો સ્વર ન ખૂબ ઉંચો કે નીચો છે. તેમણે મધ્યમ ગતિ અને સ્વરથી મધુર ભાષામાં હ્રદયને આનંદ આપતી વાતો કહી છે. કંઠષ હ્રદય અને મૂર્ધા એમ ત્રણેય સ્થાનોથી પ્રસ્ફૂટ થતા તેમના સુંદર અને સ્પષ્ટ ઉચ્ચારોથી તો તેમના શત્રુનું હ્રદય પણ જીતાય જાય તો નવાઈ શી"
"એક મીનીટ, દાદા. હનુમાનજી જેવી વફાદારી આજના જમાના ચાલે ખરી? તમે જ કહો છો, હવે હાયર એન્ડ ફાયરનો સમય આવી ગયો છે. તમને બીજી જગ્યાએ સારી સેલરીનું પેકેજ મળે તો જુની કંપનીને લાત મારી દેવાની, ખરું? આપણા ગુજરાતી છાપામાં જ એક પત્રકાર નવા અખબારમાં ચીફ એડિટરનો ઓર્ડર લઈ લીધો અને પછી જુના માલિકના પૈસે સ્વિટ્ઝર્લેન્ડ ફરી આવ્યા પછી જુના માલિકને રામ, રામ કહી દીધા. જો એ હનુમાનની જેમ એક જ અખબારમાં પડ્યા રહ્યા હોત તો આજે ગુજરાતના નંબર વન પત્રકાર બન્યા ના હોત."