કુલ પૃષ્ઠ અવલોકનો

મંગળવાર, 8 મે, 2012

ગુજરાતમાં અલગ બાળ આયોગની રચના હવે નિશ્ચિત



ગુજરાતમાં હજારો બાળકો ગુમ થઈ ગયા. હાઇકોર્ટે રાજ્યના પોલીસ વડા પાસે જવાબ માંગ્યો. એ બિચારો શું કરે. પોલીસને તો સરકારે જમીનોના દલાલોની દલાલી કરવા ધંધે લગાડી દીધી છે. દરેક પોલીસ સ્ટેશન પર જમીનના દલાલો, એસ્ટેટ બ્રોકરોની જાહેરાતોના પાટીયા લટકે છે. રાજ્યમાં પાંચ વર્ષથી અલગ ચાઇલ્ડ કમિશનની રચના સરકાર ટલ્લે ચડાવી રહી હતી. પાયાની મહત્વની બાબતો ટાળવાની અને નાટકો કરવા એ જ આ સરકારનું કામ છે.


પરંતુ, ગુજરાતમાં અલગ બાળ આયોગની રચના માટેના દલિત હક રક્ષક મંચના છેલ્લા એક વર્ષના પ્રયાસોનું આખરે પરિણામ આવ્યું. ગુજરાત સરકારે બે અલગ એફિડેવિટો કરીને હાઈકોર્ટને બાંહેધરી આપી છે. કે ટૂંક સમયમાં અલગ બાળ આયોગની રચના કરવામાં આવશે. અને હાઈકોર્ટને તેણી જાણ કરવામા આવશે. બે એફિડેવિટોની પૈકી છેલ્લી એફિડેવિટમાં રાજ્યના મુખ્યપ્રધાન વતી બાંહેધરી આપવામાં આવી છે. ગુજરાત સરકારે તા. ૭.૪.૨૦૧૧ એક જાહેરનામું બહાર પાડીને "કમીશન ફોર પ્રોટેક્શન ઑફ ચાઈલ્ડ રાઈટ એક્ટસ ૨૦૦૫ (૨૦૦૬નો ચોથો)ની કલમ-૧૭ મુજબ રાજ્ય કક્ષાએ બાલ આયોગની કામગીરી ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરને" સોંપી હતી. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૯ની કલમ-૩૧માં આ કાયદાના અમલીકરણની કામગીરી પણ બાળ આયોગને સોપવામાં આવી હોવાથી ગુજરાત સરકારે રાઈટ ટુ એજ્યુકેશનના એક્ટની કામગીરી પણ મહિલા આયોગને સોંપી દીધી.


મંચે અલગ બાળ આયોગની રચના માટે મહામહિમ રાજ્યપાલ શ્રી કમલા બેનીવાલને આવેદનપત્ર તા. ૮-૭-૨૦૧૧એ આપ્યું હતું. આવેદનપત્ર આપવા રાજભવન ગયેલા મંચના પ્રતિનિધિ મંડળને કમલાજીએ નિરાંતે સંભાળ્યા હતા. દલિત સંજ્ઞા ધરાવતી સંસ્થા બાળ અધિકારનું કામ કરે એનો એમને આંચબો થયો એટલે પ્રારંભે જ એમણે સવાલ કરેલો કે સંસ્થાના નામમાં દલિત શબ્દ શા માટે? અમે કહેલું, "વી આર નૉટ સેકટેરિયન, વી આર ઇન્ક્લુજિવ (અમે અલગતાવાદી નથી. અમે બધાને સમાવીએ છીએ) અમારી દલિત સંજ્ઞામાં તમામ જાતિ, કોમ, ધર્મના બાળકોનો સમાવેશ થઈ જાય છે." "આપકા સંગઠન કિતના સાલ પુરાના હૈ?" એ પ્રશ્નના જવાબમાં કહ્યું કે, "અમારું સંગઠન ત્રણ વર્ષ જૂનું છે પરન્તુ અમે ૩૦ વર્ષથી કામ કરીએ છીએ." ત્રીજો સવાલ એમણે માર્કાનો પૂછયો. "આપકે સાથ કિતને લોગ હૈ?" અમે કહેલું, "હમ પૉલિસી પર કામ કરતે હૈ"  "ગુજરાત સરકાર પાસે શું અલગ બાળ આયોગની રચના કરવા માટે જરૂરી નાણા નથી?" એવા અમારા પ્રશ્ન જવાબમાં હસતા હસતા તેમણે કહ્યું, "પૈસે કી કોઈ કમી નહી હૈ સરકાર કે પાસ" (શાયદ નિયત કી હો સકતી હૈ, એવો ભાવ એમના ચહેરા પર હતો.)

અમે વિગતવાર ગુજરાતમાં બાળકોની અને એમાં પણ દલિત આદિવાસી-પછાત વર્ગોના બાળકોની દુર્દશા અંગે મહામહિમને જણાવ્યું હતું. બીટી કોટનના ખેતરોમાં કઈ રીતે હજારો આદિવાસી બાળકોનું અને એમાં પણ માસૂમ, કુમળી કિશોરીઓનું ભયાનક શોષણ, જાતિય શોષણ થાય છે તેનો ચિતાર આપ્યો. અમારા મુદ્દાની ગંભીરતા સમજીને મહામહિમે તેમના અગ્ર સચિવને બેઠકમાં હાજર રહેવા જણાવેલું અને અમારી રજૂઆત સંભાળ્યા પછી કમલાજીએ અગ્ર સચિવશ્રીને પણ પૂછેલું કે, ક્યા આપકો ઇન કી બાત સચ લગતી હૈ? ત્યારે તેમના અગ્રસચિવે પણ કહેલું, ઇનકી બાત સહી હૈ. ગુજરાતની જુવેનાઈલ કોર્ટોમાં દસ હજારથી વધુ પેન્ડિંગ કેસો, ગોકળ ગાયની ગતિથી થતું બાળ મજૂરોનું પુનસ્થાપન, ઇમ્યુનાઈજેશનમા ગુજરાતનો  ૨૧મો ક્રમ, બાળ મજૂર નીતિનો અભાવ, આંતરરાજ્ય સંકલન સમિતિનો અભાવ વગેરે મુદ્દાઓની વિગતે છણાવટ કરવામાં આવી હતી.

મંચના આવેદન પત્રના અનુસંધાનમાં રાજ્યપાલશ્રીના અન્ડર સેક્રેટરી એમ. એસ. શેખાવતે તા. ૧૪.૭.૨૦૧૧એ રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ વિભાગને મંચનું આવેદન પત્ર મોકલી આપ્યું અને અલગ બાળ આયોગ સ્થાપવા અંગે સરકાર શું વિચારે છે તે અંગે રાજ્યપાલશ્રીની કચેરીને જણાવવા જણાવ્યું હતું. આ પત્રની કોપી તેમણે મંચને પણ મોકલી હતી. આ પત્રનો જવાબ વાળવાની તસ્દી પણ મહિલા અને બાળ કલ્યાણ વિભાગે લીધી નહીં. છેવટે મંચે તા. ૧૪.૧૦.૨૦૧૧એ ગુજરાત હાઈકોર્ટમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભૂષણ ઓઝા મારફતે જાહેર હિતની અરજી દાખલ કરી. અને બાળ અધિકારોના સંરક્ષણ માટે આયોગ અધિનિયમ, ૨૦૦૫ની કલમ-૧૭ અન્વયે સ્વાયત્ત બાળ આયોગ રચવાની; મહિલા આયોગ સમક્ષ નિકાલ માટેના પેન્ડિગ કેસો, જુવેનાઈલના પેન્ડિગ કેસો સહિતના કામો અંગેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની; તથા નામદાર હાઈકોર્ટને યોગ્ય લાગે તે આદેશ આપવાની પ્રાર્થના કરી હતી. આમ તો, ૨૧ ઓકટોબર ૨૦૧૧એ જ જ્યારે મેટર બોર્ડ પર આવી ત્યારે કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ એ.એલ.દવે તથા જસ્ટિસ જે.બી.પાર્ડીવાલાની ખંડપીઠેએ સરકારી વકીલને બોલાવીને સ્પષ્ટપણે મૌખિક જણાવી દીધેલુ કે, હવે પછીની તારીખે અમે તમારા (સરકારના) મોઢે એવું સંભાળવા માંગીએ છે કે, "અમે કમીશનની રચના કરવાનો નિર્ણય લઈ લીધો છે." અદાલતે રાજ્યના મુખ્ય સચિવ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોટેક્શન એન્‍ડ સેફ્ટી વિભાગના કમિશનર, લેબર કમિશનરને કારણદર્શક નોટિસ જારી કરી.

નોટિસના જવાબમાં બાળ અને બાળ કલ્યાણ વિભાગના ઇન્ચાર્જ અન્ડર સેક્રેટરી હરેશ આઈ. શાહે તા. ૧૭.૨.૨૦૧૨એ અદાલતમાં સોગંદનામું કરીને જણાવ્યું કે, "બાળ આયોગની રચના રાજ્ય સરકારની સક્રિય વિચારણા હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, "બાળ આયોગની રચના કરવાનો નિર્ણય જ્યારે પણ સરકાર લેશે ત્યારે નામદાર હાઈકોર્ટને જણાવશે." તા. ૧૫ માર્ચ ૨૦૧૨એ સમાજ ક્લ્યાણ અને આધિકારિતા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી દેવેન્દ્ર ભટ્ટે બીજા એક વધુ સોગંદનામાં જણાવ્યુ કે, રાજ્ય સરકારે  અલગ બાળ આયોગની રચના કરવાનું નિર્ણય લઈ લીધો છે અને નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક, મુખ્ય સચિવ અને મુખ્ય પ્રધાને આ અંગે સંમતિ આપી છે. તા. ૭ માર્ચ ૨૦૧૨ અને તા. ૯ માર્ચ ૨૦૧૨એ મુખ્યપ્રધાની કચેરી અને તમામ વિભાગોની કચેરીઓ પણ જરૂરી બહાલી આપી દીધી છે. સોગંદનામામાં સરકારે ટુંક સમયમાં આયોગનું પોતાનું માળખું રચવા સહિતના આયોગની રચના માટેના જરૂરી પગલાં ભરવાની ખાતરી પણ આપી છે.