કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 23 નવેમ્બર, 2012

બાળકથા એક - હું ક્યાં એડલ્ટ છું.


"નરેન્દ્ર, હવે સૂવાનો ટાઇમ થઈ ગયો," સુનંદાએ રસોડામાં ગેસનો વાલ્વ બંધ કરતા બૂમ પાડી. "હજુ દાદાએ મને વાર્તા કીધી નથી, મમ્મી," નરેન્દ્રએ દાદાના રૂમ તરફ લપકતા કહ્યું. દાદા હજુ એમના ટેબલ પરથી ઉભા થયા નહોતા. એ કશુંક લખી રહ્યા હતા. નરેન્દ્રને દાદાની આ મુદ્રા બહુ ગમતી. એ દાદાની સામે સ્ટુલ ખેંચીને બેસી ગયો. થોડીવાર પછી દાદાએ પુસ્તકમાંથી મોઢું ઉંચુ કર્યું. "ઉંઘ નથી આવતી." "ઉંહુ," ખભા ઉલાળતા નરેન્દ્ર બોલ્યો. 

"ચાલ તને એક પુરાણકથા કહું. એકવાર સ્વર્ગપતિ ઇન્દ્રને અભિમાન આવી ગયું કે સમગ્ર સૃષ્ટિમાં મારા જેવો કોઈ મહાશક્તિશાળી નથી. ઇન્દ્ર અભિમાનના અતિરેકથી છકી ગયો ત્યારે દેવો શિવજીના શરણે ગયા અને ભ્રમિત ઇન્દ્રને પૂર્વાવસ્થામાં લાવવા પ્રર્થના કરી. શિવજીએ ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે ઇન્દ્રથી પણ સવાયો પુરુષ ઉત્પન્ન કર્યો. આ પુરુષને જળમાંથી ઉત્પન્ન કર્યો એટલે જલંધર નામ પાડ્યું. ઇન્દ્રનું અભિમાન તો જલંધરે પળભરમાં ઉતારી નાંખ્યું  પણ સવળું કરવા જતા અવળું બની ગયું. જલાંધર ઇન્દ્રવિજયી થતા અધર્મી  અને ઇન્દ્રથી પણ વધુ અભુમાની થઈ ગયો. તેણે ઇન્દ્ર સહિત દેવોને પરાસ્ત કરી સ્વર્ગ આંચકી લીધું. તેની શક્તિ સામે દેવતાઓ પણ ટક્કર લઈ શક્યા નહીં. જલંધરની આ મહાશક્તિનું કારણ હતી તેની પત્ની વૃંદા. વૃંદા એક પતિવ્રતા સ્ત્રી હતી. તેની સતીત્વની શક્તિને કારણથી જલંધર અજય અને અમર બની ગયો હતો. સતી સ્ત્રીના શીલ શક્તિના કવચને કારણે અધર્મી જલંધરનો નાશ થતો નહોતો. પરમ ધર્મચારિણી વૃંદાના ધર્મના પડદાની પાછળ રહી જલંધર અધર્મી અને અત્યાચારની સીમા વટાવી સમગ્ર સૃષ્ટિને રંજાડવા લાગ્યો. દેવતાઓ થાકીને અંતે શ્રી હરિ વિષ્ણુની શરણમાં ગયા અને પ્રાર્થના કરી, "હે નારાયણ, જલંધર તેની પતિવ્રતા પત્નીના શીલશક્તિથી રક્ષાયેલો છે. પરમ પતિવ્રતા વૃંદાનો શીલભંગ થાય તો જ જલંધર શક્ત બને અને તો જ તેનો નાશ થાય. હે હરિ, આપ સમર્થ છો, કંઇક ઉપાય કરી સૃષ્ટિનું રક્ષણ કરો."

દેવગણની પ્રાર્થના સાંભળી શ્રીહરિ વિષ્ણુએ ખૂબ જ મંથન કર્યું કે જો વૃંદાનું સતીત્વ નહીં તૂટે તો જલંધર કેટલીય સતી સ્ત્રીઓના શીલ તોડશે. કદાચ સૃષ્ટિમાં કોઈ સતી નહીં રહે. ખૂબ જ મનોમંથન કર્યા પછી જ્યારે જલંધર રણભૂમિમાં દેવો સાથે યુદ્ધ કરી રહ્યો હતો ત્યારે જ શ્રીહરિ વિષ્ણુ જલંધરનું રૂપ લઈ મહાસતી વૃંદા પાસે પહોંચી ગયા. તેમણે વૃંદાને ભોળવીને તેનો શીલભંગ કર્યો કે .......તરત જ રણભૂમિમાં જલંધર હણાયો. જલંધર હણાતા વૃંદા બધું જ પારખી ગઈ. પતિના રૂપમાં કોઈ માયાવીએ તેનો શીલભંગ કર્યો છે તેની જાણ થતાં જ તેણીનો પુણ્યપ્રકોપ ભભૂકી ઉઠ્યો અને તેણે જલંધરના રૂપમાં રહેલા વિષ્ણુને શાપ આપ્યો, " હે દુષ્ટ. કપટથી મારું શીલભંગ કરનાર પથ્થદિલ કપટી .......તું એક કાળમીંઢ પથ્થર થઈ જઈશ."

"દાદા, એક મીનીટ. આ તમે જે વાર્તા કહી એની ફિલ્મ સરસ બને પણ હું ના જોઈ શકું," નરેન્દ્રએ આંખો પટપટાવતા કહ્યું.
 "કેમ?,"
"હું ક્યાં એડલ્ટ છું."

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો