કુલ પૃષ્ઠ અવલોકનો

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

રાજ્યપાલને દલિત હક રક્ષક મંચનું આવેદનપત્ર


બાળ અધિકારોના મુદ્દે મોદી સરકારના વલણને 
વખોડતું દલિત અધિકાર જૂથ




યોગિન્દર સીકન્દ


નરેન્દ્ર મોદીનું ગુજરાત હિન્દુત્વની સૌથી  સફલ પ્રયોગશાળાની નામના પામ્યું છે. કોર્પોરેટ ક્ષેત્ર અને મુખ્ચ ધારાના માધ્યમો મોદીના વિકાસ મોડેલની પ્રશસ્તિ કરતા ક્યારેય થાક્યા નથી. તેઓ આ મોડેલને સમગ્ર દેશ માટે અનુકરણીય ગણાવે છે. મધ્યમ વર્ગના સેંકડો હિન્દુઓ આવેશપૂર્વક ભારતના ભાવિ વડાપ્રધાન તરીકે મોદીની હિમાયત  કરે છે. એનાથી દેશ આર્થિક અને લશ્કરી સુપરપાવરની ક્લબમાં સ્થાન પામશે એવું વિચારતા તેમને ગલગલીયા થાય છે.   
                                                                                                            
બહુ વખણાયેલા ખાઉધરા મૂડીવાદી વિકાસના ગુજરાત મોડેલે બાકીના ભારતની જેમ કદાચ ગુજરાતમાં પણ વધારે મોટી માત્રામાં બહુમત લોકોને, ખાસ કરીને દલિત અને આદિવાસી સમુદાયના લોકોને અસમાનતા અને કંગાલિયત તરફ ધકેલ્યા છે અને તે જ સમયે તેણે ગુજરાતના ખાઈ બદેલા સામાજિક અને આર્થિક અગ્ર-વર્ગને અત્યંત સમૃદ્ધ કર્યો છે. આદિવાસી અને દલિતો મળીને ગુજરાતના પાંચમા ભાગ કરતા પણ મોટો હિસ્સો છે અને તેઓ રાજ્યના તીવ્ર ભેદભાવવાળા સામાજિક પીરામિડના તળિયે રહેલા છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે કેવા પ્રકારના જાતિ-વર્ગીય હિતોને પ્રોત્સાહન આપવા હિન્દુત્વની રાજનીતિ અને વિચારધારા તેમજ મોદીનું વિકાસ મોડેલ સજ્જ થયા છે.

ગુજરાતની મોટાભાગની કહેવાતી આર્થિક સફળતા દલિતો અને આદિવાસીઓના સસ્તા શ્રમને આભારી છે. ગુજરાત દેશમાં સૌથી વધારે બાળ મજુરો ધરાવતા રાજ્યો પૈકીનું એક હોવાની અપકીર્તિ ધરાવે છે. આ બાળમજુરોમાં મોટાભાગના દલિતો અને આદિવાસીઓ તેમજ અન્ય વંચિત સમુદાયોના છે. તેઓ ખરાબ અને મોટાભાગે બંધુવા મજુર જેવી પરિસ્થિતિઓમાં કામ કરે છે, તેમને બહુ ઓછું વેતન ચૂકવાય છે અને રાજ્ય સરકાર, દેખીતી રીતે તેમની દુર્દશા તરફ સંપૂર્ણપણે બેપરવા છે.

 ગયા મહિને મારા મિત્ર, ખંતીલા સામાજિક કર્મશીલ અને દલિત હક  રક્ષક મંચના મહામંત્રી રાજેશ સોલંકીએ ગુજરાતના રાજ્યપાલ માનનીય કમલા બેનીવાલને એક આવેદનપત્ર આપ્યું અને તેમનું ધ્યાન ગુજરાતમાં સ્ટેટ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એસસીપીસીઆર)ની અનુપસ્થિતિ તરફ દોર્યું હતું. તેમણે જણાવ્યું કે આ અભાવનો અર્થ છે રાજયમાં બાળકોના, ખાસ કરીને વંચિત સમુદાયોના બાળકોના અધિકારોનું મોટાપાયે હનન. તેમણે દલીલ કરી હતી કે કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટ ૨૦૦૫ અનુસાર આવું કમિશન નીમવાની રાજ્ય સરકારોની જવાબદારી છે, તેમ છતાં ગુજરાત સરકારે તેની ઉપેક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે

આવેદનપત્રમાં દર્શાવવામાં આવ્યું હતું કે અલગ બાલ આયોગના બદલે રાજ્યના મહિલા આયોગને બાળ અધિકારો સંબંધિત મુદ્દાઓ સોંપવાનો ગુજરાત સરકારનો દાવો ખોખલો છે અને હકીકતમાં, તે કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ એક્ટનું ઉલ્લંઘન છે. મહિલા આયોગને તેનું પોતાનું મેન્ડેટ હોય છે અને બાળકોના અધિકારોના હનનના કેસો હાથ ધરવા પૂરતા માનવ સંસાધનો ધરાવતું નથી, એમ જણાવીને આવેદનપત્રમાં કાયદાની જરૂરિયાત પ્રમાણે ગુજરાત સરકારે અલગ બાલ આયોગની રચના કરવી જ જોઇએ એ બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો. મહિલા આયોગને બાલ આયોગના આટલા બધા કામો સોંપવાથી બાળ અધિકારો સાથે મોટા પ્રમાણમાં ચેડા થશે.

ગુજરાતના સૌથી સક્રિય દલિત જૂથો પૈકીના એક મંચે સુપ્રત કરેલા આવેદનપત્રએ (ખાસ કરીને રાજ્યની વંચિત જાતિઓ અને આદિવાસી સમુદાયોના) બાળકોના અધિકારોના થઈ રહેલા નરદમ ભંગની વિગતે વાત કરી હતી. આને કારણે રાજ્યમાં એક પૂર્ણ કક્ષાના બાલ આયોગની જરૂરિયાત હોવાનું તેમા જણાવવામાં આવ્યું છે. ગુજરાતમાં ઓછામાં ઓછા ચાર લાખ બાળ મજુરો (જે નિશંકપણે, દલિતો અને આદિવાસીઓ જ હોય) છે અને તેથી રાજ્ય બાળ મજુરોના સંદર્ભમાં દેશના ૨૮ રાજ્યોમાં નવમાં સ્થાને છે, એમ આવેદનપત્રમા જણાવવામાં આવ્યું હતું. બાળ મજુરી ગેરકાનૂની ઘોષિત કરવામાં આવી હોવા છતાં રાજ્ય સરકારે આ સમસ્યાને હલ કરવા ઝાઝો ઉત્સાહ દર્શાવ્યો નથી, એમ તેમાં જણાવાયું હતું. ૨૦૦૧થી ૨૦૧૦ના ગાળામાં ૪૫૦૦ કરતા પણ ઓછા બાળ મજુરોને મુક્ત કરવામાં આવ્યા હતા.  આ વર્ષની ૩૧મી જાન્યુઆરીની સ્થિતિએ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ  સમક્ષ દસ હજાર કરતા વધારે કેસો પેન્ડિંગ પડ્યા હોવાનું આવેદનપત્રએ નોંધ્યું હતું. દર વર્ષે હજારો મજુરો (મોટાભાગના ગરીબ દલિતો અને આદિવાસીઓ) તેમના બાળકો સાથે પડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં ખેતરો અને ફેક્ટરીઓમાં અત્યંત કઠોર અને શોષણકારી પરિસ્થિતિઓમાં કામ કરવા આવે છે, તેમ છતાં આવા સ્થળાંતરીત મજુરો અને તેમના બાળકોના ગંભીર સવાલો ઉકેલવા આંતર-રાજ્ય સંકલન સમિતિ રચવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ છે, એમ તેમાં જણાવવામાં આવ્યું હતું.

સગીર બાળાઓ સહિત એક લાખ કરતા વધારે બાળકોનું ગુજરાતના સાત જિલ્લાઓમાં જેનેટિકલી મોડિફાઇડ બીટી કોટનની ખેતીમાં શોષણ અને જાતિય શોષણ થઈ રહ્યું હોવાનું આવેદનપત્રમાં દર્શાવાયું હતું. આમાં પણ મોટાભાગના બાળકો વંચિત સમુદાયોના અને ઐતિહાસિક રીતે કચડાયેલા દલિત અને આદિવાસી સમુદાયોના હોય છે. કર્મશીલ જૂથોએ બનાસકાંઠા જિલ્લામાં બીટી કોટનના ખેતરોમાં બાળ મજુરો અંગે જિલ્લાના કલેક્ટરને પુરાવા આપવા છતાં આવા બાળ મજુરોના અસ્તિત્વનો કલેક્ટરે ધરાર ઇનકાર કર્યો તે બાબતને પણ આવેદનપત્રમાં આઘાત સાથે નોંધવામાં આવી છે. આવેદનપત્રએ નોંધ્યું હતું કે દલિત હક રક્ષક મંચે નેશનલ કમિશન ફોર ધી પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સ (એનસીપીસીઆર)ને તેની અર્ધ-ન્યાયિક સત્તાઓનો ઉપયોગ કરીને ગુજરાતના સરકારી અધિકારીઓને સમન્સ પાઠવવા વિનંતી કરી છે, જેથી તેમને પૂછી શકાય કે તેઓ શા માટે શોષણના આવા ગંદા સ્વરૂપને ચાલવા દે છે.

આવેદનપત્રએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મંચે જે અલગ બાલ આયોગની રચના માટે સરકારને આગ્રહ કર્યો છે તે આયોગ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ ૨૦૦૫ના યોગ્ય અમલ માટે પણ જરૂરી છે. તેણે નોંધ્યું હતું કે રાજ્યના અસંખ્ય બાળકોને (જેમાંના મોટાભાગના સંભવિતપણે દલિત અને આદિવાસી) પ્રાથમિક શિક્ષણની સવલતો પૂરી પાડવામાં આવતી નથા, જે કૈંક અંશે આવેદનપત્રના જણાવ્યા પ્રમાણે, સરકારની નિંભરતાને કારણે છે. ગુજરાત બાળકોના રસીકરણમાં દેશના ૨૧ રાજ્યોમાં બહુ પાછળ છે અને આ બાબત ગુજરાત સરકારના આરોગ્ય ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓના દાવાનો પર્દાફાશ કરે છે. આવેદનપત્ર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના અમલની જવાબદારી રાજ્યના મહિલા આયોગને સોંપવાના રાજ્ય સરકારના નિર્ણયની ટીકા કરતા જણાવે છે કે, આ નિર્ણય રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની મશ્કરી સિવાય બીજુ કંઈ જ નથી. આ તમામ કારણસર રાજ્યમાં અલગ બાલ આયોગની રચના અનિવાર્ય હોવાનું આવેદનપત્ર જણાવે છે.

રાજ્યના ભાવિ નાગરિકો સંબંધિત આ નિર્ણાયક બાબતો માટે સંસાધનો વાપરવા નહીં માગતી મખ્ખીચૂસ ગુજરાત સરકારને યોગ્ય આદેશ આપવાની મહામહિમ રાજ્યપાલને આવેદનપત્રના અંતે  વિનંતી કરવામાં આવી છે.

તો આ છે વિકાસના મોદી મોડેલની કહાની.     


Courtesy: Countercurrents.org, 19 August, 2011

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો